વોર્ડ નંબર 2 ના રહીશો 15 વર્ષથી પીવાના પાણીથી વંચિતમોરબી : મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલ ભીમરાવનગર વિસ્તારના રહીશો છેલ્લા 15 વર્ષથી પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારી રહ્યા છે. સ્થાનિક રહીશ પ્રવિણકુમાર શુકલની આગેવાનીમાં મહાનગરપાલિકા કમિશનર, જિલ્લા કલેક્ટર, ધારાસભ્ય અને પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો સત્વરે પાણીની લાઇન નહિ નંખાય તો રહીશો દ્વારા આત્મવિલોપન સહિતના ઉગ્ર આંદોલન કરવામાં આવશે.વર્ષોથી રજૂઆતો છતાં પરિણામ શૂન્યરજૂઆતમાં જણાવ્યા અનુસાર, ભીમરાવનગરના રહીશો 7 મે 2014 થી પીવાના પાણીની માંગણી કરી રહ્યા છે. અગાઉ 2014 થી 2025 સુધીમાં 5 થી વધુ વખત લેખિત રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. ગરીબ અને પછાત વિસ્તાર હોવાથી તંત્ર દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.પૈસા ભર્યા છતાં કનેક્શન ન મળ્યુંઆ ઉપરાંત, રોહિદાસ પરા શેરી નંબર 6 ના 10 ઘરો માટે ગત 21 ઓગસ્ટ 2025 ના રોજ નવા પાણીના કનેક્શન માટે મહાનગરપાલિકામાં પૈસા ભરી દેવામાં આવ્યા હતા. ચોમાસાનું બહાનું કાઢી પિયુષભાઈ નામના કર્મચારીએ કામ લંબાવ્યું હતું અને રૂબરૂ આવીને કનેક્શન કરી આપવાની ખાતરી આપી હતી, પરંતુ આજદિન સુધી આ ઘરોને કનેક્શન આપવામાં આવ્યું નથી.ઉગ્ર આંદોલનની ચેતવણીરહીશોની ધીરજ હવે ખૂટી છે. સ્થાનિકોએ આક્રોશ સાથે અલ્ટીમેટમ આપ્યું છે કે જો તેમને શુદ્ધ પીવાનું પાણી આપવા માટે સત્વરે નવી લાઇન નાખવામાં નહીં આવે, તો ના છૂટકે રહીશો 3 દિવસ બાદ આમરણાંત ઉપવાસ પર બેસશે. તેમ છતાં જો કોઈ ઉકેલ નહીં આવે તો 5 માં દિવસે મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ સામે સામૂહિક આત્મવિલોપન કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #WaterCrisis #MorbiMahanagarpalika #Bhimravnagar #Protest #LocalNews #GujaratNews #MorbiNews