સરકાર જો યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી સમયમાં અચોક્કસ મુદતની હડતાલ પર જવાની ચીમકીમોરબી: મોરબી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ (AIOCD) ના આદેશ અનુસાર 20 મે ના રોજ દેશવ્યાપી પ્રતીકાત્મક હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. ઓનલાઈન દવા કંપનીઓ અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા નિયમોના થઈ રહેલા ઉલ્લંઘન સામે વિરોધ નોંધાવવા મોરબીના મેડિકલ સ્ટોર્સ આ બંધના એલાનમાં જોડાયા છે.મોરબી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ કિરણ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, એસોસિએશનના તમામ સભ્યો સવારે 9 કલાકે રામચોક ખાતે એકઠા થયા હતા અને શાંતિપૂર્ણ રીતે પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જો સરકાર દ્વારા આ બાબતે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.એસોસિએશનના અન્ય હોદ્દેદારોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબીમાં આશરે 149 જેટલા સભ્યો આ સંસ્થા સાથે જોડાયેલા છે. સરકારે વર્ષ 2020 માં મહામારી દરમિયાન GSR 14 અને 1187 E હેઠળ જે છૂટછાટ આપી હતી, તેનો ગેરલાભ ઉઠાવીને ઓનલાઈન કંપનીઓ કોઈપણ જાતના ધારાધોરણોનું પાલન કર્યા વગર દવાઓ સપ્લાય કરી રહી છે. સામાન્ય કેમિસ્ટોએ ડ્રગ ડિપાર્ટમેન્ટના તમામ કડક નિયમોનું પાલન કરવું પડે છે અને વર્ષમાં બે વાર સત્તાવાર અને સરપ્રાઈઝ ઇન્સ્પેક્શનનો સામનો કરવો પડે છે, જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર આવું કોઈ જ ચેકિંગ થતું નથી.જો કે, મેડિકલ વ્યવસાય માનવતા સાથે જોડાયેલો હોવાથી દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે કટોકટીના સમયને ધ્યાનમાં રાખીને મોરબીમાં 7 થી 9 જેટલા મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવામાં આવ્યા છે, જેથી ઈમરજન્સી સેવાઓ પ્રભાવિત ન થાય. તેમ છતાં, જો સરકાર ઓનલાઈન કંપનીઓની આ મનમાની સામે યોગ્ય પગલાં નહીં ભરે તો કેમિસ્ટો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે તેવું જણાવાયું છે. #Morbi #MedicalAssociation #Strike #Chemists #AIOCD #OnlinePharmacy #MorbiNews #Gujarat