પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ અને સરકારી પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવશેસોમવાર અને મંગળવારે સવારે 10.30 થી બપોરે 2 વાગ્યા સુધી અરજદારો રૂબરૂ રજૂઆત કરી શકશેપિતા બાદ 30 વર્ષે પુત્રને કલેકટર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પિતા આસામમાં તો પુત્રને ગુજરાતમાં કલેકટર તરીકેની જવાબદારી મળીમોરબી : મોરબી જિલ્લાના નવા કલેકટર તરીકે યુવા આઈએએસ અધિકારી સ્વપ્નિલ ખરેએ આજરોજ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. અગાઉ મોરબીના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા સ્વપ્નિલ ખરે માટે મોરબી શહેર અને લોકો અજાણ્યા નથી. મ્યુનિસિપલ કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે મોરબીના લોકો સાથે રહીને ઘણું કામ કર્યું છે, જેનો બહોળો અનુભવ તેમને જિલ્લા કલેકટર તરીકેની નવી જવાબદારી નિભાવવામાં પણ ઉપયોગી નીવડશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.ચાર્જ સંભાળ્યા બાદ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં તેમણે પોતાની કામગીરીની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કલેકટર તરીકે તેમનું મુખ્ય ફોકસ મહેસૂલી કામગીરી, અપીલ કેસો, જમીન ફાળવણીના પ્રશ્નો, તેમજ આગામી ચૂંટણી અને મેજિસ્ટ્રેટરિયલ કામગીરી પર રહેશે. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધીને પ્રજાના કામો ઝડપથી પૂરા થાય તે તેમની પ્રાથમિકતા રહેશે. માર્ગ અને મકાન વિભાગ, જેટકો, પીજીવીસીએલ અને મહાનગરપાલિકાના જે મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, તેને પણ સમયસર પૂર્ણ કરવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવશે. અગાઉ મ્યુનિસિપલ કમિશનર તરીકે મોરબીની જનતાનો જે સાથ અને સહકાર મળ્યો હતો, તેવો જ સહકાર કલેકટર તરીકે પણ મળશે તેવી અપેક્ષા તેમણે રાખી હતી.34 વર્ષની નાની વયે જિલ્લા કલેકટર બનવા અંગેની ખુશી વ્યક્ત કરતા તેમણે એક ભાવુક સંયોગ પણ વર્ણવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તારીખ 21 જુલાઈ 1996 ના રોજ તેમના પિતા પણ એક આઈએએસ અધિકારી તરીકે આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં કલેકટર બન્યા હતા. તેના બરાબર 30 વર્ષ બાદ તેમને મોરબીના કલેકટર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભારતના પૂર્વ છેડે આવેલા આસામ બાદ પશ્ચિમ છેડે આવેલા ગુજરાતમાં આ જવાબદારી મળવી તેને તેઓ પોતાનું અહોભાગ્ય માને છે. આ સફળતાનો સંપૂર્ણ શ્રેય તેમણે તેમના માતા-પિતા અને ઈશ્વરને આપ્યો હતો.લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે તેમણે વહીવટી તંત્રની સિસ્ટમ સમજાવતા કહ્યું હતું કે, અરજદારોએ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે સિસ્ટમ મુજબ પહેલા તલાટી, મામલતદાર, ટીડીઓ અને ત્યારબાદ પ્રાંત અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. જો ત્યાંથી પ્રશ્ન હલ ન થાય તો તેઓ ચોક્કસ કલેકટર કચેરીનો સંપર્ક કરી શકે છે. કલેકટર કચેરીમાં અરજદારોને રૂબરૂ મળવા માટેનો સમય અઠવાડિયામાં સોમવાર અને મંગળવારના રોજ સવારે 10.30 થી બપોરે 2 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે, જેમાં લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકશે.#Morbi #MorbiUpdate #MorbiNews #NewCollector #SwapnilKhare #IAS #GujaratNews #MorbiDistrict