50 લીટર ડીઝલ લેવા પર 460 રૂપિયાનું ઓઇલ લેવા ફરજ પડાતી હોવાનો આક્ષેપ, જાગૃત ખેડૂતોએ પંપના જવાબદાર વ્યક્તિનો ઉધડો લીધોહળવદ : એક તરફ ખેડૂતોને ખેતીકામ માટે ડીઝલની અત્યંત આવશ્યકતા હોય છે, ત્યારે તેમની આ મજબૂરીનો ફાયદો ઉઠાવીને કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો લૂંટ ચલાવતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હળવદ શહેરમાં આવેલા એક પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા આવતા ગ્રાહકો અને ખાસ કરીને ખેડૂતોને ડીઝલની સાથે ફરજિયાતપણે ઓઇલનો ડબ્બો લેવા માટે મજબૂર કરવામાં આવતા હોવાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ શહેરમાં આવેલા ભારત પેટ્રોલ પંપ પર ખેડૂતો પોતાના ટ્રેક્ટર કે અન્ય કૃષિ ઉપયોગ માટે 50 લીટર ડીઝલ કેરબામાં લેવા જાય ત્યારે પંપના કર્મચારીઓ દ્વારા તેમને 460 રૂપિયાની કિંમતનો ઓઇલનો ડબ્બો લેવા માટે ફરજ પાડવામાં આવે છે. જો ગ્રાહક ઓઇલ લેવાની ના પાડે તો તેમને ડીઝલ આપવાનો ઇનકાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગ્રાહકો અને ખેડૂતો આ બાબતે પંપના જવાબદાર વ્યક્તિ સાથે ઓફિસમાં જઈને ઉગ્ર બોલાચાલી કરી રહ્યા છે અને તેમની આ મનમાનીનો સખત વિરોધ કરી રહ્યા છે.વીડિયોમાં જાગૃત ખેડૂતો જવાબદાર વ્યક્તિને સવાલ કરી રહ્યા છે કે ડીઝલ સાથે ઓઇલ ફરજિયાત લેવાનો આવો કયો સરકારી કે કંપનીનો નિયમ છે? ખેડૂતોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવીને પરાણે ઓઇલ પધરાવવાની આ નીતિ સામે ગ્રાહકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોના ઉગ્ર વિરોધ અને સવાલો બાદ આખરે પેટ્રોલ પંપના સંચાલકોએ નમતું જોખ્યું હતું અને જેમને ઓઇલ ન જોઈતું હોય તેમને પરત કરી દેવા અને માત્ર ડીઝલ આપવા માટે સંમતિ દર્શાવી હતી.#Halvad #HalvadNews #MorbiUpdate #MorbiNews #ViralVideo #PetrolPump #Farmers #GujaratNews