1.5 મહિના બાદ માંડ શરૂ થયેલા ઉદ્યોગને PGVCL ની લાલિયાવાડી અને ડીઝલ ન મળતા મોટું નુકસાન, આ બન્ને પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રમુખ મનોજભાઈ એરવાડિયાની સરકાર સમક્ષ માંગમોરબી: મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વીજકાપ અને ડીઝલની અછતને કારણે ઉદ્યોગકારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ આ અંગે ઉદ્યોગકારોની વ્યથા ઠાલવતા સરકાર અને PGVCL તંત્ર સમક્ષ તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે.PGVCL ની નબળી કામગીરીથી ઉદ્યોગો પરેશાનમનોજભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને પીપળી રોડ અને માંડલ રોડ વિસ્તારના ઉદ્યોગકારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેતપરની 220 KV માંથી 66 KV માં આવતી રંગપર બાજુની લાઈનના કેબલમાં બ્લાસ્ટ થતા 12 કલાકથી વધુ સમય સુધી પાવર કાપ રહ્યો હતો. ગઈકાલે પણ આ જ કેબલમાં ફરી બ્લાસ્ટ થતા ઉદ્યોગોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. સિરામિક ઉદ્યોગ સતત પ્રોડક્શન કરતો ઉદ્યોગ છે, જેમાં 1 મિનિટનો પાવર કાપ પણ હજારો રૂપિયાનું નુકસાન કરાવે છે. આમ છતાં દિવસમાં 2 થી 4 વખત 1 થી 1.5 કલાકના પાવર કાપ આવે છે અને ક્યારેક તો 5 કલાક સુધી પાવર હોતો નથી.PGVCL ની આવકમાં 30% હિસ્સો છતાં સુવિધા શૂન્યમોરબીનો સિરામિક ઉદ્યોગ PGVCL ની કુલ રેવન્યુમાં 30% થી વધુ હિસ્સો આપે છે અને દરેક ઇન્ડસ્ટ્રીમાં HT કનેક્શન છે. તેમ છતાં સ્થાનિક કચેરીથી લઈને રાજકોટ MD અને ગાંધીનગર મંત્રી સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. પ્રી-મોનસૂન કામગીરીના અભાવે નાના ફોલ્ટમાં પણ તમામ ફીડરો બંધ કરવા પડે તેવી નોબત આવી છે.ડીઝલની ભારે અછતથી પ્રોડક્શન ઠપ્પછેલ્લા 4 થી 5 દિવસથી મોરબીમાં ડીઝલની અછત ઊભી થઈ છે. પાવર કાપ વખતે જનરેટર ચલાવવા અનિવાર્ય છે, પરંતુ બેરલમાં ડીઝલ મળતું નથી. આ ઉપરાંત ફેક્ટરીમાં લોડિંગ અને અનલોડિંગ માટે વપરાતા સાધનો જેવા કે ફોર્કલિફ્ટ, લોડર અને ટ્રેક્ટર પણ ડીઝલ વિના ચલાવવા શક્ય નથી. ડીઝલના અભાવે પ્રોડક્શનમાં મોટી અડચણો આવી રહી છે.મજૂરો પાછા જતા રહેશે તો ઉદ્યોગ ભાંગી પડશેમનોજભાઈ એરવાડિયાએ ચિંતા વ્યક્ત કરી હતી કે, અગાઉની પરિસ્થિતિઓને કારણે ઉદ્યોગો 1.5 મહિનો બંધ રહ્યા હતા. જેમ તેમ કરીને મજૂરો પાછા બોલાવીને ફેક્ટરીઓ ચાલુ કરી, ત્યાં આ પાવર અને ડીઝલની સમસ્યાઓ આવી ગઈ. જો પાવર નહિ મળે અને ડીઝલની વ્યવસ્થા નહિ થાય તો ઇન્ડસ્ટ્રી ફરી બંધ કરવાનો વારો આવશે. જો આમ થશે તો માંડ આવેલા મજૂરો ફરી જતા રહેશે અને ઉદ્યોગો ટકાવવા મુશ્કેલ બની જશે.સિરામિક ઉદ્યોગને બચાવવા સરકાર સમક્ષ માંગસિરામિક એસોસિએશન વતી મનોજભાઈ એરવાડિયાએ અપીલ કરી છે કે ઉદ્યોગોને બચાવવા માટે સ્પેશિયલ કેટેગરીમાં ડીઝલનો પૂરતો જથ્થો તાત્કાલિક ફાળવવામાં આવે. આ ઉપરાંત PGVCL દ્વારા યોગ્ય મેન્ટેનન્સ કરી પાવર સપ્લાય રાબેતા મુજબ કરવામાં આવે જેથી હજારો લોકોની રોજગારી જળવાઈ રહે અને ઉદ્યોગ બચી શકે.#Morbi #CeramicIndustry #MorbiUpdate #PGVCL #PowerCut #DieselShortage #GujaratIndustries #MorbiNews #CeramicAssociation #ManojbhaiErvadiya