જેતપર ગામે 765 KV વીજલાઇનનું કામ ખેડૂતોએ અટકાવ્યું: નિયમોનું પાલન કર્યા વગર એક પણ તાર પસાર નહીં થવા દેવાની કડક ચેતવણીમોરબી: મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોની જમીન પર અદાણી કંપની દ્વારા વીજલાઇનનું કામકાજ શરૂ કરાતા ભારે હોબાળો મચ્યો હતો. જેતપર ગામના સર્વે નંબરમાં અમરશીભાઈ હરીભાઈ ચંદ્રોલાની માલિકીની જમીનમાં કંપની દ્વારા 765 KV હેવી વીજલાઇનનું ગેરકાયદે કામ શરૂ કરાતા ખેડૂત નેતા મહેશ રાજકોટિયાએ ખેડૂતો સાથે મળીને સ્થળ પર જઈ કામ અટકાવી દીધું હતું. આ દરમિયાન કંપનીના અધિકારીઓએ ખેડૂતો સાથે અસભ્ય વર્તન કરતા મામલો વધુ ગરમાયો હતો.આ કચ્છ નથી, મોરબી જિલ્લો છે: મહેશ રાજકોટિયાસ્થળ પર કંપનીના અધિકારીઓએ ઊંચા અવાજે વાત કરતા ખેડૂત નેતા મહેશ રાજકોટિયાએ તેમને જાહેરમાં જ આકરા શબ્દોમાં ઝાટક્યા હતા. તેમણે અધિકારીઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરમાં પગ મૂકતા પહેલા હજાર વાર વિચારજો, આ જમીન ખેડૂતની છે કંપનીની જાગીર નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ કચ્છ નથી પણ મોરબી જિલ્લો છે, જેથી અહીં ખેડૂતોના સ્વમાન સાથે ચેડા કરનારને જડબાતોડ જવાબ આપવામાં આવશે.ખેડૂતોની જમીન કે સ્વાભિમાન સાથે રમત કરવાનો પ્રયાસ થશે તો આરપારની લડાઈ લડવામાં આવશેખેડૂત નેતાએ કંપનીને ચોથી અને છેલ્લી ચેતવણી આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, પોલીસ પ્રોટેક્શનના જોરે ખેડૂતોને દબાવવાની કોશિશ કરવામાં આવશે તો એ પણ કામ નહીં આવે. ખેડૂતોની સંમતિ, યોગ્ય વળતર અને નિયમોના પાલન વગર ખેતરમાંથી એક પણ તાર પસાર કરવા દેવામાં નહીં આવે. જો આગામી સમયમાં ખેડૂતોની જમીન કે સ્વાભિમાન સાથે રમત કરવાનો પ્રયાસ થશે તો આરપારની લડાઈ લડવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે.#Morbi #MorbiNews #FarmersProtest #AdaniPowerLine #MaheshRajkotia #Jetpar #MorbiUpdates