પેટ્રોલપંપ સંચાલકોને ક્વોટા મુજબ ડીઝલની ફાળવણી થતી હોવાનો ખુલાસો : હાઇવે પરના નયારા અને કન્ઝ્યુમર પંપ બંધ થતાં ગ્રાહકો સામાન્ય પંપ તરફ વળ્યામોરબી : રાજ્યભરમાં ડીઝલની અછત વચ્ચે સિરામિક હબ મોરબી જિલ્લામાં પણ ડિઝલનો જથ્થો મળતો ન હોવાથી તૈયાર માલનું ટ્રાન્સપોર્ટેશન અટકી જવાની સાથે સિરામિક ફેક્ટરીઓમાં જનરેટર ચલાવવા માટે પણ ડીઝલ મળતું ન હોવાથી સિરામિક ઉદ્યોગને માઠી અસર પડી છે.જો કે, સરકારની બીકના કારણે હાલમાં ડીઝલની અછત મામલે કોઇ ખૂલીને બોલવા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે.મોરબી શહેર અને જિલ્લામાં આવેલ 200 જેટલા પેટ્રોલપંપ પર છેલ્લા અઠવાડીયાથી ડીઝલની અછત સર્જાઈ છે.પેટ્રોલપંપ સંચાલકો ટ્રક ચાલકોને રૂપિયા 10 હજાર સુધીનું ડીઝલ પણ આપતા ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં પેટ્રોલ પણ મર્યાદિત આપવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.ખાસ કરીને હાલમાં સિરામિક કલસ્ટરમાં વીજ સમસ્યા હોવાથી અનેક ઉદ્યોગ લાઈટકાપની સ્થિતિમાં ડીઝલ જનરેટર પર ઉદ્યોગ ચલાવવા મજબુર બન્યા છે તેવા સમયે ડીઝલની અછત સર્જાઈ હોવાથી ઉદ્યોગને માઠી અસર પડી રહી છે.મહત્વનું છે કે, સિરામિક ઉદ્યોગને કારણે મોરબીમાં દૈનિક 10 હજાર જેટલા ટ્રકની આવક જાવક રૂટિન છે પરંતુ હાલમાં પેટ્રોલપંપ પર ડિઝલનો પૂરતો જથ્થો આપવામાં ન આવતો હોવાથી ટ્રકની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે અને સિરામિક ફેકટરીઓ તૈયાર માલના પરિવહન માટે ટ્રક ચાલકો આવતા ન હોવાનું પણ ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.અમને ક્વોટા મુજબ જ મર્યાદિત જથ્થો મળે છે : પેટ્રોલપંપ ડીલર એસોસિએશન પ્રમુખમોરબી પેટ્રોલપંપ એસોસિએશન પ્રમુખ વિનોદ ડાભીએ ડીઝલની અછત અંગે કહ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી મોટાભાગના નયારાના પેટ્રોલપંપ બંધ થઈ ગયા છે. આ ઉપરાંત કન્ઝ્યુમર પેટ્રોલપંપને આપવામાં આવતા ડિઝલનો ભાવ 143 રૂપિયા કરી નાખવામાં આવતા આ તમામ ગ્રાહકો સામાન્ય પેટ્રોલપંપ પર પેટ્રોલ - ડીઝલ માટે આવી રહ્યા છે.બીજીતરફ ઓઇલ કંપની દ્વારા પેટ્રોલપંપ ધારકોને નિયમિત ક્વોટા મુજબ જ પેટ્રોલ ડીઝલ આપવામાં આવે છે જેથી વધારાના ગ્રાહકોની માંગને પહોંચી શકાતું નથી. કંપની તરફથી જોઈએ તેટલો જથ્થો આપવાને બદલે મર્યાદિત જથ્થો જ આપવામાં આવી રહ્યો હોવાનું પણ તેમને જણાવ્યું હતું.મોરબી જિલ્લામાં કુલ 200 પંપમોરબી શહેરી વિસ્તારમાં 10 તેમજ ગ્રામીણ માર્ગ અને હાઇવે પર 190 જેટલા પેટ્રોલપંપ મળી કુલ 200 પંપ આવેલ છે. જેમાંથી અંદાજે 30 જેટલા પેટ્રોલપંપ નયારા કંપનીના છે. જેમાંથી મોટાભાગના પમ્પો પર ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે. આથી નયારા પંપના ગ્રાહકો સરકારી ઓઇલ કંપનીના પેટ્રોલપંપ તરફ વળ્યા હોય ડીઝલની અછત સર્જાઈ છે.ટ્રકમાં ડીઝલ જ નથી તો માલ પરિવહન કેમ કરવું ? ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખમોરબી જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસશીએશન પ્રમુખ પ્રભાત ડાંગરે જણાવ્યું હતું કે, હાલમાં મોરબીના પેટ્રોલપંપ પર 10 હજાર સુધીનું ડીઝલ પણ આપવામાં આવતું નથી જેથી મોટાભાગના ટ્રક ચાલકો ડીઝલ વગર ભાડા કેમ કરવા તેની મૂંઝવણમાં છે.હાલમાં મોરબીના 90 ટકા ટ્રકના પૈડાં થંભી ગયા છે.જ્યારે પૂરતા પ્રમાણમાં ડીઝલ મળશે ત્યાર બાદ જ ટ્રક દોડતા થશે.ડીઝલ વગર ડિસ્પેચિંગ અટકી ગયું : ઉદ્યોગપતિમોરબીના અગ્રણી સિરામિક ઉદ્યોગપતિ કિશોરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડીઝલની અછતને કારણે પ્રોડક્શનથી લઈ ડિસ્પેચિંગ સુધી અસર પડી છે. વારંવાર લાઈટકાપની સ્થિતિમાં કારખાના જનરેટર ઉપર ચાલે છે પરંતુ ડીઝલના અભાવે જનરેટર બંધ કરવાં પડ્યા છે. એ જ રીતે ડીઝલ વગર ટ્રક પણ માલ ભરવા આવતા નથી તેવી જ રીતે ફેકટરીમાં ફોરકલીપ મશીન સહિતના ડીઝલ આધારિત સાધનો ચલાવવા મુશ્કેલ બન્યા હોવાનું તેમને જણાવ્યું હતું.ડિઝલને કારણે કામ નથી અટકી પડ્યા : સિરામિક એસોસિએશન પ્રમુખમોરબી સિરામિક એસોશિએશનને પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું હતું કે, ડીઝલની અછતથી સિરામિક ફેકટરીઓને હાલમાં કોઈ અસર પડી નથી.કોઈ કામ પણ અટક્યા ન હોવાનું જણાવી જરૂર પડ્યે ડીઝલ અંગે રજુઆત કરીશું તેમ જણાવ્યું હતું.