જાગૃત યુવાનોની ટીમ રવિવારની રજામાં પાવડા અને તગારા લઈને સફાઈ કરવા મેદાને ઉતરીમોરબી: મોરબીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે શહેરના શિક્ષિત યુવાનોની એક આગવી ટીમ આગળ આવી છે. આ જાગૃત નાગરિકોએ પોતાની સામાજિક ફરજ સમજીને ‘ક્લીનઅપ મોરબી’ નામથી એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ ટીમના 25 જેટલા સભ્યો દર રવિવારે પોતાની રજાના દિવસે વહેલી સવારથી જ પાવડા, તગારા અને કોદાળી જેવા સાધનો લઈને શહેરના જુદા જુદા વિસ્તારોમાં શ્રમદાન કરવા નીકળી પડે છે. તાજેતરમાં જ આ ટીમ દ્વારા મોરબીના બહોળા નદીના પટ વિસ્તારમાં સઘન સફાઈ ઝુંબેશ ચલાવીને 5 ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.મહાનગરપાલિકા બનવા જઈ રહી હોવાથી નાગરિકોની જવાબદારી વધી: નવનીતભાઈ કાસુન્દ્રાઆ સફાઈ અભિયાનના મુખ્ય પ્રેરક નવનીતભાઈ કાસુન્દ્રાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતના 70 થી વધુ શહેરોમાં અત્યારે આ પ્રકારે ‘ક્લીનઅપ’ અભિયાન ચાલી રહ્યા છે. મોરબીમાં જ્યાં ત્યાં કચરો ફેંકવાની અને પાન-માવાની પિચકારીઓ મારીને ગંદકી કરવાની કુટેવ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. હવે જ્યારે મોરબી મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે ત્યારે તંત્રની સાથે નાગરિકોની જવાબદારી પણ વધી જાય છે. સરકારી તંત્ર બધી જગ્યાએ એકસાથે પહોંચી શકે તેમ ન હોવાથી ડિસેમ્બર 2025 થી દર રવિવારે આ ટીમ કાર્યરત કરવામાં આવી છે.કચરો ન ફેંકવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ‘ક્લીનઅપ મોરબી’ ટીમ માત્ર સફાઈ કરીને અટકી જતી નથી, પરંતુ જે તે વિસ્તારમાં સફાઈ દરમિયાન સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને પણ આ પ્રવૃત્તિમાં સાંકળે છે. ટીમના સભ્યો દ્વારા લોકોને જાહેર રસ્તાઓ કે નદી કિનારે કચરો ન ફેંકવા અને કચરાપેટીનો જ ઉપયોગ કરવા માટે સમજણ આપવામાં આવી રહી છે. યુવાનોના આ પ્રશંસનીય શ્રમદાનને મોરબીના નગરજનો બિરદાવી રહ્યા છે.#Morbi #CleanUpMorbi #SwachhBharat #MorbiNews #MorbiUpdates #YouthPower #SocialWork #CleanMorbi