જિલ્લાના 70 જેટલા જવાનો આર્થિક ભીંસમાં મુકાયા; ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખે 3થી 4 દિવસમાં પગાર થવાની ખાતરી આપીમોરબી : મોરબીમાં કાળઝાળ ગરમીમાં પણ ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવીને ટ્રાફિક નિયમન કરી રહ્યા છે. મોરબી જિલ્લામાં કુલ 3 જગ્યાએ ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે. જેમાં મોરબી શહેરમાં સૌથી વધુ 50, વાંકાનેરમાં 10 અને હળવદમાં 10 એમ કુલ મળીને 70 જેટલા ટ્રાફિક બ્રિગેડ જવાનો ફરજ પર છે.તાજેતરમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી માસની આસપાસ આ જવાનોના પગારમાં 300 થી 450 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ આ પગાર વધારો માત્ર 1 જ મહિના માટે મળ્યો છે. જવાનોને માર્ચ અને એપ્રિલ મહિનાનો પગાર હજુ સુધી ચૂકવવામાં આવ્યો નથી, અને આજે મે મહિનાની 17 તારીખ થઈ ગઈ હોવા છતાં પગાર ન થતાં કુલ 2.5 મહિનાથી તેઓ પગાર વિહોણા છે.મોટાભાગના જવાનો સામાન્ય પરિવારમાંથી આવે છે અને રોજનું કમાઈને રોજ ખાનારા છે, જેના કારણે આખા પરિવારની જવાબદારી ઉઠાવવામાં તેમને ભારે તકલીફ પડી રહી છે. આર્થિક સ્થિતિ એટલી હદે કથળી છે કે ફરજ પર જવા માટે વાહનમાં પેટ્રોલ પુરાવવાના પૈસા પણ ન હોવાથી જવાનોને અન્ય વાહનોમાં લિફ્ટ માંગીને ફરજ પર જવાનો વારો આવ્યો છે. આ મુશ્કેલીઓને લઈને જવાનો દ્વારા તાત્કાલિક પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.આ મુદ્દે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ જણાવ્યું છે કે પગાર માટેની મંજૂરી મળી ગઈ છે. 1 કે 2 દિવસમાં ગ્રાન્ટ આવી જશે અને બેંકમાં જમા કરાવ્યા બાદ 3 થી 4 દિવસમાં જવાનોના બેંક ખાતામાં પગાર જમા કરી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.#Morbi #MorbiUpdate #TrafficBrigade #SalaryIssue #MorbiNews #GujaratNews