પૂરતું પાણી મળતાં દ્વારકાધિશ વાંક વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળીટંકારા : ટંકારાના દ્વારકાધિશ વાંક વિસ્તારના 70 જેટલા પરિવારોને છેલ્લા ઘણા સમયથી પાણીની મુશ્કેલી વેઠવી પડી રહી હતી. પ્રજાની આ પીડાને પોતાની પીડા સમજીને ટંકારા નગરપાલિકાના વોર્ડ નં 1ના નવનિયુક્ત કોર્પોરેટર જયેશ ભટાસણાએ બે દિવસ પહેલા જળ ત્યાગના શપથ લીધા હતા અને 19 તારીખથી આકરા વ્રત શરૂ કરવાનો નિર્ધાર કર્યો હતો. જ્યાં સુધી તેમના વિસ્તારના વંચિત પરિવારોને પાણીની સુવિધા નહીં મળે, ત્યાં સુધી તેઓ પોતે પણ પાણીનો મર્યાદિત ઉપયોગ કરશે તેમ તેમણે નિર્ણય લીધો હતો. જો કે કોર્પોરેટરના જળ ત્યાગના શપથ બાદ દ્વારકાધિશ વાંક વિસ્તારના પરિવારોને આજે પાણી મળ્યું છે.વોર્ડ નં 1ના નવનિયુક્ત કોર્પોરેટર જયેશ ભટાસણાએ બે દિવસ પહેલા જળ ત્યાગના શપથ લીધા હતા અને પાણી ચોરી કરતાં તત્વોને આકરી ચેતવણી આપી હતી. સાથે જ દ્વારકાધિશ વાંક વિસ્તારના 70 જેટલા પરિવારો જે પાણીથી વંચિત હતા તેઓને પાણી મળે તે માટે રજૂઆત કરી હતી. આ મામલે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી આ વિસ્તારમાં પાણી પહોંચાડવા યુદ્ધના ધોરણે કામ ચાલુ કરવામાં આવ્યું છે. આજ રોજ જે પરિવારોને ઘણા દિવસોથી પાણી નહતું મળ્યું તેઓને પાણી પહોંચાડવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ફુલ પ્રેસરથી આ વિસ્તારમાં પાણી પહોંચે અને એકાદ-બે અઠવાડિયામાં પાણી અંગેનું ટાઈમ ટેબલ બનાવી પાણી પ્રશ્નનું સંપૂર્ણ નિરાકરણ કરવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમ પણ જયેશ ભટાસણાએ જણાવ્યું હતું.ઘણા દિવસો બાદ પૂરતું પાણી મળતાં દ્વારકાધિશ વાંક વિસ્તારના લોકોમાં પણ ખુશી જોવા મળી હતી. લોકોએ પણ નવનિયુક્ત કોર્પોરેટરનો આભાર વ્યક્ત કર્યો હતો અને પાણીનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરીશું તેમ જણાવ્યું હતું.