ગટર લાઇનનું કામ પૂરું થયા બાદ કોન્ટ્રાક્ટરે માત્ર માટી પૂરી, યોગ્ય પેચવર્ક ન કરાતા રોડ વચ્ચે મોટા ખાડા પડ્યાના આક્ષેપોમોરબી : મોરબીના વ્યસ્ત ગણાતા મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ તરફ જતા મુખ્ય માર્ગ પર ગટર લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ગટર લાઈન નાખ્યા પછી ખોદવામાં આવેલા ખાડાઓનું યોગ્ય રીતે બુરાણ ન કરવામાં આવતા હાલ આ માર્ગ પર મોટા ખાડાઓ પડી ગયા છે, જે વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યા છે.પ્રોપર પેચવર્કના અભાવે જમીન બેસી ગઈસ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગટર લાઈનનું કામ પૂરું થયા પછી ખાડાઓને માત્ર માટીથી ભરી દેવામાં આવ્યા હતા. પ્રોપર પેચવર્ક કે ડામર કામ ન થવાને કારણે હાલમાં જમીન બેસી ગઈ છે અને રોડની વચ્ચે જ મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયા છે.રાત્રિના સમયે અકસ્માતનો ખતરોઆ માર્ગ પર પડેલા મોટા ખાડાઓને કારણે ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ખાડાઓ ન દેખાવાને કારણે ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થઈ રહ્યા છે અને નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ ઉપરાંત, યોગ્ય બુરાણ ન થયું હોવાથી અહીં સતત ધૂળની ડમરીઓ ઊડે છે, જેના કારણે રાહદારીઓ અને આસપાસના રહીશોના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર પડી રહી છે.તંત્ર પાસે તાકીદે પાકા કામની માંગઆ માર્ગ સર્કિટ હાઉસ તેમજ હાઈવેને જોડતો હોવાથી અહીં દિવસ-રાત વાહનોની સતત અવરજવર રહે છે. આ અંગે સામાજિક કાર્યકર નરેન્દ્ર ડી. ગોહેલ અને સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે તંત્ર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે, રોડનું યોગ્ય લેવલિંગ કરીને પાકું કામ કરવામાં આવે. જો વહેલી તકે આ ખાડાઓ પૂરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે.#Morbi #RoadIssue #MorbiNews #PublicProblem #MorbiUpdate