વાંકાનેર : વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે ગ્રામ પંચાયતના પશુઓને પાણી પીવાના અવેડામાં પાણી ઓછું હોવાથી પશુઓને પાણી પીવડાવવા આવેલ આરોપીઓએ અવેડા પાસે રહેતા યુવકના ભાઈ, માતા અને પત્નીને ગાળો આપી પાણી કેમ ઓછું છે તેમ કહેતા ફરિયાદીએ ગ્રામ પંચાયતના સરપંચને રજુઆત કરવાનું કહેતા આરોપીઓ સરપંચના દિયર એવા યુવકને લાકડી લઈને આવી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના દિઘલિયા ગામે રહેતા અને ગામના મહિલા સરપંચના દિયર અબ્દુલભાઇ સાવદીભાઈ ખોરજીયા ઉ.41 નામના યુવકે આરોપી (૧) સામતભાઈ ખેંગારભાઈ (૨) પ્રવીણભાઇ સામતભાઇ (૩) મહેશભાઇ સામતભાઇ (૪) લાખાભાઈ ખેંગારભાઇ (૫) જયપાલભાઇ લાખાભાઇ અને (૬) મહિપાલભાઇ લાખાભાઇ રહે બધા-દીઘલીયા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,ગત તા.20 એપ્રિલના રોજ આરોપી સામતભાઈ ખેંગારભાઈ પોતાના માલઢોર લઈ ગ્રામ પંચાયતના અવેડામાં પાણી પીવડાવવા આવ્યા હતા ત્યારે અવેડામાં પાણી ઓછું હોવાથી ગામના સરપંચના માતાને ગાળો આપતા હતા જેથી ફરિયાદીના પત્નીએ જે કહેવું હોય તે સરપંચને રૂબરૂ રજુઆત કરવાનું કહેતા બાદમાં તમામ આરોપીઓ લાકડી લઈને આવ્યા હતા અને ફરિયાદીના પુત્રને જાનથી મારી નાખવા ધમકી આપી ગાળો આપતા બનાવ અંગે અંતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.