ગ્રાહકોનું વેઇટિંગ હોવાથી વાળ કાપવામાં વાર લાગશે તેમ કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ રાત્રે દુકાને આવી આતંક મચાવ્યો હોવાના આક્ષેપ સાથે ડીવાયએસપીને રજુઆતમોરબી : મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલી એક હેર સલૂનની દુકાનમાં વાળ કાપવાની ના પાડ્યા બાદ માથાભારે શખ્સોએ દુકાનમાં ઘૂસીને મારામારી કરી હતી. દુકાનદાર પિતા-પુત્રને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ભોગ બનનાર પરિવારે મોરબી DYSP ને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.રજુઆતમાં જણાવ્યા અનુસાર, મોરબીના શનાળા બાયપાસ પાસે આનંદ નગરમાં આવેલ ખોજા સોસાયટીમાં રહેતા અને દલવાડી સર્કલ પાસે આવાસ યોજના તરફ જતા રસ્તે 'અશોક હેર સલુન' નામની દુકાન ચલાવતા પ્રશાંત અશોકભાઈ લાંઘણોજા અને તેમના પિતા અશોકભાઈ જીવરાજભાઈ લાંઘણોજા ગત તારીખ 13/05/2026 ના રોજ સાંજના 05:00 વાગ્યાના અરસામાં પોતાની દુકાને કામ કરતા હતા. તે સમયે સલાટ પીયારૂ નામનો વ્યક્તિ વાળ કાપવા માટે આવ્યો હતો. દુકાનમાં અન્ય ગ્રાહકોનું વેઇટિંગ હોવાથી પ્રશાંતભાઈએ તેને વાળ કાપવામાં થોડો સમય લાગશે તેમ જણાવતા તે ઉશ્કેરાઈને ત્યાંથી જતો રહ્યો હતો.ત્યારબાદ તે જ રાત્રે 09:00 થી 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન સલાટ પીયારૂ અને આકાશ નામના બે શખ્સો દુકાને ધસી આવ્યા હતા. તેમણે 'મને સાંજે વાળ કાપવાની કેમ ના પાડી' તેમ કહીને ગાળાગાળી કરી, દુકાનમાં તોડફોડ મચાવી હતી. આ શખ્સોએ CCTV કેમેરા પણ તોડી નાખ્યા હતા અને પ્રશાંતભાઈ ફોન કરવા જતા તેમનો મોબાઈલ પણ ઝુંટવી લીધો હતો. હુમલાખોરોએ પિતા-પુત્રને ગળાના ભાગે અને શરીરે મૂઢ માર મારી માફી માંગવા દબાણ કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મારામારી દરમિયાન પ્રશાંતભાઈના નાના ભાઈ મોહિતભાઈ, જે હોમગાર્ડમાં ફરજ બજાવે છે, તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને વચ્ચે પડી બંનેને બચાવ્યા હતા. ત્યારે હુમલાખોર સલાટ પીયારૂએ તેમને પણ ધમકી આપતા કહ્યું હતું કે, 'તું પોલીસમાં છો ને તારા પોલીસવાળાને લેતો આવ, હું પોલીસથી બીતો નથી.' અંતમાં રજૂઆતમાં જણાવાયું છે કે આ ગંભીર ઘટના બાદ ભયભીત થયેલો પરિવાર ડરના કારણે છેલ્લા 2 દિવસથી પોતાની દુકાને કામ અર્થે જઈ શક્યો નથી. તેઓને પોતાના જીવનું જોખમ જણાતા તારીખ 15/05/2026 ના રોજ મોરબી DYSP ને અરજી આપી આ બંને શખ્સો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવા તેમજ દુકાનમાં થયેલા નુકસાનનું વળતર અપાવવા માંગ કરી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #MorbiPolice #Vandalism #GujaratNews #LocalNews