જેટકો ટીમની 72 કલાકની ભારે જહેમત બાદ 320 MVA ની કેપેસિટી સાથે સબ સ્ટેશન શરૂ: 6 ગામોના 66KV સબ સ્ટેશનને 130 મેગાવોટ પાવર અપાયોમોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગ અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી સતાવતી પાવરની સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવી ગયો છે. ગુજરાત સરકારની GEC-I (Green Energy Corridor- I) સ્કીમ હેઠળ મોરબી જિલ્લાના વાંકડા ખાતે 250 કરોડ રૂપિયાના ખર્ચે નવું 220KV સબ સ્ટેશન તાજેતરમાં જ કાર્યરત કરવામાં આવ્યું છે.મોરબી સિરામિક ઉદ્યોગ અને આજુબાજુના વિસ્તારમાં 10/05/2026 ના રોજ ઉભી થયેલી પાવરની સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટે જેટકોની ટીમ દ્વારા 11/05/2026 થી 13/05/2026 સુધી સતત 72 કલાકની ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ અવિરત કામગીરી બાદ નવું 220KV વાંકડા સબ સ્ટેશન ચાલુ કરવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટ જેટકો ગોંડલના અધિક્ષક ઇજનેર વરસડાના માર્ગદર્શન અને રાજકોટ બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર ચિખલીયાની કુનેહ હેઠળ પાર પડ્યો છે. મોરબીની ટીમમાં તાજેતરમાં કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી પામેલા જીતેન્દ્ર એમ. વિરમગામા, વાંકડા સબ સ્ટેશનના નાયબ ઇજનેર પંકજ કુંડારીયા, અને લાઈન વિભાગના નાયબ ઇજનેર અશ્વિન સરડવા સહિતની ટીમે અથાગ પ્રયત્નો કર્યા છે.નવા 220KV વાંકડા સબ સ્ટેશનમાં 220/66KV ના બે 160 MVA ના ટ્રાન્સફોર્મર મુકવામાં આવ્યા છે, જેના દ્વારા 320 MVA ની નવી કેપેસિટી ઉભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં નવી 220KV અને 66KV લાઈનનું નેટવર્ક અગાઉથી જ ઉભું કરવામાં વિરમગામા અને જુનિયર ઇજનેર ચેતન ધરોડીયાની પ્રોજેક્ટ ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.આ નવા સબ સ્ટેશનમાંથી 66KV બેલા, 66KV નીચી માંડલ, 66KV ઊંચી માંડલ, 66KV ઘુંટુ, 66KV ખરેડા અને 66KV ડુંગરપુર એમ કુલ 6 સબ સ્ટેશનોને 13/05/2026 સુધીમાં આશરે 130 મેગાવોટ જેટલો પાવર સફળતાપૂર્વક આપી દેવામાં આવ્યો છે.220KV વાંકડા સબ સ્ટેશન કાર્યરત થવાથી હવે 220KV પીપળી સબ સ્ટેશન અને 220KV ચરાડવા સબ સ્ટેશનના લોડમાં મોટી રાહત થશે. પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા આ મોટા વધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગને અને આસપાસના રહેણાંક વિસ્તારોને પાવર સપ્લાયની મુશ્કેલીઓમાંથી કાયમી છુટકારો મળશે. જેટકોના અધિકારીઓ અને કર્મચારીઓના હકારાત્મક અભિગમ અને સંઘર્ષને કારણે મોરબીના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.#Morbi #MorbiUpdate #GETCO #VankdaSubStation #CeramicIndustry #GujaratGovernment #PowerSupply #Wankaner #Electricity