દાડમ અને જામફળના બગીચામાં નુકસાનનું 6 મહિનાથી વળતર ન મળતા 150 થી 200 ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો, કંપનીએ પોલીસ અને એસઆરપી બોલાવીહળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામમાંથી પસાર થતી પાવર ગ્રીડ કંપનીની લાઈનની કામગીરીનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી અગાઉ થયેલા નુકસાનનું પૂરું વળતર ન મળે ત્યાં સુધી કંપનીને આગળની કામગીરી કરવા દેવામાં આવશે નહીં.આ અંગે સાપકડા ગામના વિનેશભાઈ મનજીભાઈએ જણાવ્યું હતું કે, પાવર ગ્રીડ કંપની દ્વારા ખેતરોમાંથી લાઈન કાઢવામાં આવી રહી છે. આ કામગીરીમાં ટાવર નીચે આશરે 18 ખેડૂતો અને લાઈન નીચે 100 થી 150 ખેડૂતોના ખેતરો આવે છે. ગત દિવાળીના સમયે એટલે કે 12 માં મહિનામાં કંપની દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોના દાડમ અને જામફળ સહિતની બાગાયતી ખેતીને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ નુકસાનીના બિલ બની ગયા હોવા છતાં છેલ્લા 6 મહિનાથી કંપની દ્વારા ખેડૂતોને કોઈ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી.વધુમાં ખેડૂતોનો આક્ષેપ છે કે વળતર માટે કંપની દ્વારા અગાઉ 333 રૂપિયા લેખે ભાવ આપવાનું નક્કી કરાયું હતું, પરંતુ હવે 120 રૂપિયા લેખે ચૂકવવાની વાત કરવામાં આવી રહી છે. આ અન્યાયી વલણ અને બાકી નાણાંના મુદ્દે સાપકડા ગામના 150 થી 200 જેટલા ખેડૂતોએ એકઠા થઈને કામ અટકાવી દીધું છે. બીજી તરફ કંપની દ્વારા ખેડૂતોના વિરોધને દબાવવા માટે પોલીસ અને એસઆરપી (SRP) ને બોલાવવામાં આવી છે. જોકે, ખેડૂતો પોતાની માંગ પર અડગ છે અને સ્પષ્ટ ચીમકી આપી છે કે જૂનું ચૂકવણું ન થાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં કંપનીનું કામ ચાલુ કરવા દેવામાં આવશે નહીં.#MorbiUpdate #Halvad #Sapakda #FarmersProtest #PowerGrid #GujaratNews #MorbiNews #FarmersIssues #Agriculture