બકરા ચરાવવા ગયેલા માલધારી હાથ-પગ ધોવા જતા ઊંડા પાણીમાં ગરકાવ થયા: કાકા-ભત્રીજા બન્નેના જીવ ગયા, ભત્રીજાની ઉંમર માત્ર 11 વર્ષ હોવાનું ખુલ્યું મોરબી : મોરબી નજીક જૂના સાદુળકા ગામની સીમમાં આવેલી ખેત તલાવડીમાં 3 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવેલા ત્રણેય મૃતકોની ઓળખ થઈ ગઈ છે, જેમાં કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું ખુલ્યું છે. આ તમામ લોકો બકરા ચરાવવા માટે ગયા હતા અને ખેત તલાવડીમાં હાથ-પગ ધોવા તેમજ નાહવા જતા આ હૃદયદ્રાવક કરુણાંતિકા સર્જાઈ હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, આ ગોઝારી ઘટના મોરબીમાં લક્ષ્મીનગરની પાછળ અને આર્યવ્રત સ્કૂલની પાછળ આવેલી જૂના સાદુરકા ગામની સીમમાં એક ખેત તલાવડીમાં બની હતી. આજે સવારે આ ત્રણેય લોકો પોતાના બકરા ચરાવવા માટે આ વિસ્તારમાં ગયા હતા. બપોરના સમયે જ્યારે તેઓ ખેત તલાવડી પાસે હાથ-પગ ધોવા અને નાહવા માટે ગયા, ત્યારે અચાનક સંતુલન ગુમાવતા કે પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા તેઓ અંદર પડી ગયા હતા. પાણી ઊંડું હોવાથી ત્રણેય લોકો તેમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાના કારણે તેમના કરુણ મોત નીપજ્યા હતા.ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢેલા ત્રણેય મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. મૃતકોમાં હાથાભાઈ પૂંજાભાઈ રાતડીયા (ઉંમર 28, રહે. લક્ષ્મીનગર), જયદેવ સોડાભાઈ રાતડીયા (ઉંમર 11) અને કારૂભાઈ ગીગાભાઈ વહેરા (ઉંમર 31, રહે. ધરમપુર) નો સમાવેશ થાય છે. આ કરુણ બનાવમાં મૃત્યુ પામનાર હાથાભાઈ અને 11 વર્ષીય માસૂમ જયદેવ બંને સંબંધમાં કાકો-ભત્રીજો થાય છે. કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોના અકાળે મોત નિપજતા લક્ષ્મીનગર અને ધરમપુર ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકોના પરિવારજનોમાં કલ્પાંત છવાઈ ગયો છે.#Morbi #MorbiUpdate #Sadurka #Laxminagar #Dharampur #MorbiNews #GujaratNews #TragicIncident #DrowningIncident