3 ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી મોરબી: મોરબી નજીક એક સિરામિક ફેકટરીમાં રાત્રિના સમયે અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. જોકે, ફાયર વિભાગે ત્વરિત કામગીરી હાથ ધરી આગ ઉપર કાબુ મેળવી લેતા ઉદ્યોગકારોએ રાહતનો શ્વાસ લીધો છે. મોરબી મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાત્રે 9:09 કલાકે કંટ્રોલ રૂમમાં કોલ મળ્યો હતો કે સરતાનપર રોડ ઉપર લેમઝોન નામના કારખાનામાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ઘટનાસ્થળે રવાના થઈ હતી. આગને બુઝાવવા માટે શરૂઆતમાં એક વોટર બાઉઝર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ સેકન્ડ ટર્ન આઉટમાં 20 KL ક્ષમતાવાળું વધુ એક વોટર બાઉઝર અને એક મિની ફાયર ફાઇટર પણ રવાના કરવામાં આવ્યા હતા. આમ, ફાયર વિભાગના કુલ 3 વાહનોએ ઘટનાસ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. હાલ આગ સંપૂર્ણ કંટ્રોલમાં હોવાનું ચીફ ફાયર ઓફિસર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #FireIncident #MorbiNews #FireBrigade #GujaratNews