કેન્સર જન જાગૃતિ અભિયાન અંતર્ગત નિદાન કેમ્પનું આયોજનમોરબી: મોરબીમાં કેન્સર જેવી જટિલ બીમારી સામે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે વિશેષ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ચેતતા નર સદા સુખી' ના સૂત્રને સાર્થક કરતા આ કેમ્પમાં 100 થી વધુ નાગરિકોએ પોતાની તપાસ કરાવી હતી.વહેલું નિદાન અને આર્થિક બોજમાંથી મુક્તિનો ઉદ્દેશ્યમોરબી GIDC શનાળા રોડ પર આવેલી સંસ્કાર ઇમેજિંગ અને બ્લડ બેન્ક ખાતે આ કેમ્પ યોજાયો હતો. કેન્સરનું પ્રાથમિક તબક્કે નિદાન થાય તો દર્દીને જટિલ સારવાર અને મોટા આર્થિક બોજમાંથી બચાવી શકાય છે, તેવા હેતુ સાથે આ જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.વિવિધ પ્રકારના કેન્સરનું નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિદાનઆ કેમ્પમાં પુરુષો માટે મોઢાના કેન્સરનું નિદાન તેમજ 50 વર્ષથી વધુ વયના પુરુષો માટે પ્રોસ્ટેટ કેન્સરનો PSA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મહિલાઓ માટે ગર્ભાશયના કેન્સરનું પ્રાથમિક ચેકઅપ અને સર્વાઇકલ સ્મીયર ટેસ્ટ રાહત દરે કરાયા હતા. આ ઉપરાંત સ્તન કેન્સરના નિદાન માટે નિશુલ્ક ચેકઅપ અને જરૂરી જણાય ત્યાં મેમોગ્રાફીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી.નિષ્ણાત તબીબોએ આપી સેવાઓઆ કેમ્પમાં કેન્સર સર્જન ડો. જેકોબ જ્હોન, રેડિયોલોજીસ્ટ ડો. અક્ષય ધોરીયાણી, બ્રેસ્ટ ઓન્કોપ્લાસ્ટિક સર્જન ડો. અશ્વિની મોદી, પેથોલોજીસ્ટ ડો. પૂનમ કાચરોલા, ગાયનેકોલોજિસ્ટ ડો. પાયલ ફળદુ, એમ્બ્રોલોજીસ્ટ ડો. અંકિતા પટેલ સહિતના નામાંકિત તબીબોએ સેવા આપી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સાધનાબેન ઘોડાસરા, ડો. અંકિતાબેન પટેલ, આશાબેન ભાલોડીયા અને ઉમિયા આરોગ્ય કેન્દ્રના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #CancerAwareness #HealthCamp #MorbiNews #CancerScreening #PatidarWomensPowerGroup #UmiyaAarogyaSevaKendra