મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામીએ ઘટનાને વખોડી : કોર્પોરેટરે કહ્યું કે ગ્રુપમાં આવી કોમેન્ટ કોઈ બીજાએ કરી છેમોરબી: મોરબીના મહેન્દ્રનગરમાં ભરઉનાળે પીવાના પાણીની કટોકટી વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના વોર્ડ નંબર 3 ના એક વ્હોટ્સએપ ગ્રુપમાં થયેલી વાતચીતના સ્ક્રીનશોટ વાયરલ થતા ચકચાર મચી છે. જેમાં એવું લખાણ લખવામાં આવ્યું છે કે, જે લોકોએ ચૂંટણીમાં ભાજપનો વિરોધ કર્યો હોય તેમને પાણી આપવાનું થતું નથી.શું છે સમગ્ર ઘટના?મહેન્દ્રનગરમાં હાલ કાળઝાળ ઉનાળામાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. આ સમસ્યા બાબતે 'BJP VORD NO. - 3' નામના વ્હોટ્સએપ ગ્રુપમાં પ્રભુકૃપા ટાઉનશિપના એક રહીશે પાણી મુદ્દે મેસેજ લખ્યો હતો. બાદમાં આ વ્યક્તિને ગ્રુપમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. વાયરલ થયેલા સ્ક્રીનશોટ મુજબ, એક વ્યક્તિએ મેસેજમાં લખ્યું હતું કે, 'જે ભાજપનો વિરોધ કરે એ મારો વિરોધ કરે, માટે એ ભાઈને પાણી આપવાનું થતું જ નથી.' અન્ય એક સભ્યએ પણ તેને સમર્થન આપતા લખ્યું હતું કે, 'તેને કહેવાનો અધિકાર જ નથી.'કોંગ્રેસ નેતા મુકેશ ગામીનો ભાજપ પર પ્રહારઆ મામલે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામીએ એક વિડીયો સંદેશ જાહેર કરીને ભાજપની આ માનસિકતાની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં ચૂંટણી જીત્યા પછી ચૂંટાયેલા પ્રતિનિધિ માટે દરેક નાગરિક સમાન હોય છે. ભાજપના લોકો વિસ્તારને પોતાની પેઢી સમજી રહ્યા છે અને કિન્નાખોરી રાખીને લોકોને પાયાની સુવિધાઓથી વંચિત રાખવાની ધમકી આપી રહ્યા છે.'પાણી બંધ કરી જુઓ, નળ કાપી નાખીશું': મુકેશ ગામીમુકેશ ગામીએ વધુમાં ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, 'જો ભાજપના શાસકોમાં તાકાત હોય તો કોંગ્રેસના કાર્યકરો કે વિરોધ કરનારાઓનું પાણી બંધ કરી બતાવે, અમે તમારા નળ કાપી નાખતા અચકાઈશું નહીં. અમે ચૂંટણી હાર્યા છીએ, જિંદગી નથી હાર્યા.' તેમણે મહેન્દ્રનગરના લોકોને ખાતરી આપી હતી કે કોંગ્રેસ પક્ષ જનતાના હક માટે 24 કલાક લડત આપવા તૈયાર છે.આ મામલે કોર્પોરેટરે શુ કહ્યું ? મોરબીના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર જીગ્નેશ કૈલાએ જણાવ્યું કે કાંતિજ્યોત વિસ્તારમાં પાણીના પ્રશ્ન બાબતે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ પાણીનો પ્રશ્ન શું છે અને તેને કેવી રીતે હલ કરી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવાનો હતો. આ દરમિયાન ત્યાં હાજર કોઈ વ્યક્તિએ બેઠકના ફોટા પાડીને વોટ્સએપ ગ્રુપમાં મૂક્યા હતા અને લખ્યું હતું કે આપણા કોર્પોરેટર પાણીના પ્રશ્ન ઉકેલવા મથી રહ્યા છે. આ ફોટા ગ્રુપમાં મુકાયા બાદ એક વ્યક્તિએ ગ્રુપમાં કોમેન્ટ કરી હતી કે 'તમારા ને તમારા પાંગતીયા હોય એમાં ફોટા નાખવાની શું જરૂર'. આવી કોમેન્ટ આવતા તે વ્યક્તિને વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કરી દીધા હતા. આ સમગ્ર મામલે જીગ્નેશ કૈલાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જે લોકો ચૂંટણી વખતે વિરોધમાં હતા, તેઓ જ અત્યારે આવી કોમેન્ટો કરી રહ્યા છે. વધુમાં, ગ્રુપમાં જોડાયેલા અન્ય કેટલાક લોકોએ એવી પણ કોમેન્ટ કરી હતી કે આવા લોકોને પાણી ન આપવું જોઈએ, જોકે જીગ્નેશ કૈલાએ સ્પષ્ટ કર્યું છે કે આવી કોમેન્ટ તેમણે પોતે નથી કરી પરંતુ ગ્રુપના અન્ય વ્યક્તિએ કરી હતી.#MorbiUpdate #MorbiNews #Ward3 #LocalPolitics #WaterIssue #WhatsAppControversy