વોટર-લોગિંગની સમસ્યા નિવારવા મહાનગરપાલિકા દ્વારા આધુનિક મશીનરીથી સફાઈ ઝુંબેશ હાથ ધરાઈમોરબી : આગામી ચોમાસાની ઋતુમાં શહેરીજનોને હાલાકી ન પડે તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પ્રિ-મોન્સૂન અંતર્ગત સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં શહેરના માર્ગો પર વરસાદી પાણીના ભરાવા (વોટર-લોગિંગ) ની સમસ્યા નિવારવા અને ડ્રેનેજ વ્યવસ્થા સુદ્રઢ બનાવવાના ભાગરૂપે ડ્રેનેજ મેનહોલ તેમજ સ્ટ્રોમ વોટર નેટવર્કની સફાઈની કામગીરી પ્રગતિ હેઠળ છે. હાલમાં ડ્રેનેજ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં આ સફાઈની કામગીરી કાર્યરત છે.મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી મુખ્ય કામગીરીઓ: ● મેનહોલની સફાઈ: શહેરના ગીચ અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ડ્રેનેજ મેનહોલની સફાઈ કરવામાં આવી રહી છે. ચોમાસામાં ગટર ઉભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે જેટિંગ અને સુપર સકર મશીનો દ્વારા લાઈનોમાં જામેલો કચરો દૂર કરવામાં આવી રહ્યો છે.● સ્ટ્રોમ વોટર લાઈન ક્લીનિંગ: વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે બનાવેલી સ્પેશિયલ સ્ટ્રોમ વોટર લાઈનોની પણ સફાઈ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ લાઈનોના એક્ઝિટ પોઈન્ટ અને કેચપીટમાં ફસાયેલો પ્લાસ્ટિકનો કચરો દૂર કરી પાણીનો પ્રવાહ અવરોધ રહિત બનાવવામાં આવી રહ્યો છે. ● મિકેનાઈઝડ સફાઈ: મહાનગરપાલિકા દ્વારા માનવ શ્રમની સાથે આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને કામગીરીને વેગ આપવામાં આવ્યો છે, જેથી ટૂંકા સમયમાં વધુ વિસ્તારોમાં સફાઇ કરી શકાય.ચોમાસા દરમિયાન ઉભી થતી આપત્તિઓ અને નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા 24x7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ચોમાસું બેસે તે પહેલા શહેરના તમામ 13 વોર્ડમાં આ સફાઈ અભિયાન પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કોઈ પણ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી ન થાય તે માટે આ કામગીરીનું સીધું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે. #MorbiUpdate #MorbiNews #PreMonsoon #MorbiMunicipalCorporation #DrainageCleaning #MonsoonPreparation #MorbiCity