સ્થાનિક કોંગ્રેસે વિરોધ પ્રદર્શનને ટેકો અપાયો, ભાજપ અને જગદીશ પંચાલ વિરુદ્ધ હાય-હાયના નારા લાગ્યાવિરોધ કરી રહેલા 11 જેટલા લોકોની હળવદ પોલીસે અટકાયત કરી, બાદમાં છોડી મૂક્યાહળવદ : કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો મોરબી જિલ્લામાં પણ પડી રહ્યા છે. હળવદમાં ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ મેદાને આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ દ્વારા ગેનીબેન વિશે કરવામાં આવેલા ઉચ્ચારણના વિરોધમાં આજે હળવદમાં દેખાવો કરવામાં આવ્યા હતા.આજે હળવદ ખાતે સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભાજપ સરકાર તેમજ જગદીશ પંચાલ વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ અને જગદીશ પંચાલ વિરુદ્ધ હાય-હાયના નારા લગાવવામાં આવ્યા હતા. હળવદમાં એકઠા થયેલા કોળી સમાજને સ્થાનિક કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ખુલ્લો ટેકો આપવામાં આવ્યો હતો અને કોંગ્રેસના કાર્યકરો પણ આ વિરોધમાં જોડાયા હતા.વિરોધ કરી રહેલા આગેવાનોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, એક તરફ ભાજપ સરકાર નારી શક્તિના નામે મત માંગે છે અને બીજી તરફ તેમના જ નેતાઓ નારીનું સન્માન જાળવી શકતા નથી. જગદીશ પંચાલે ગેનીબેન વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે તે અત્યંત અપમાનજનક છે. આગેવાનોએ માંગ કરી છે કે જગદીશ પંચાલ સમગ્ર દેશની મહિલાઓની માફી માંગે. જો તેઓ માફી નહીં માંગે તો આગામી સમયમાં મોરબી કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.દરમિયાન, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે હળવદ પોલીસ પણ એક્શનમાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા આશરે 11 જેટલા લોકોની હળવદ પોલીસે અટકાયત કરી હતી. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ આ તમામ ડિટેન કરાયેલા લોકોને પોલીસે મુક્ત કરી દીધા હતા.#Halvad #GenibenThakor #KoliSamaj #ThakorSamaj #Congress #MorbiUpdate #MorbiNews #GujaratPolitics #HalvadPolice #Protest