વર્કશોપમાં કામે ન આવતા 13 કર્મચારીઓની ખોટી હાજરી પુરી નાણાકીય ઉચાપત, 8 વિરુદ્ધ ફોજદારીમોરબી : મોરબી મહાનગર પાલિકામાં કર્મચારીઓની હાજરી પુરવા માટે પંચિંગ મશીન ડિટેક્ટર લગાવવામાં આવ્યા હોવા છતાં વર્કશોપ વિભાગમાં કામે નહિ આવતા 13 કર્મચારીઓની અન્ય આઠ કર્મચારીઓ ખોટી રીતે પોતાના ફિંગરપ્રિન્ટથી હાજરી પૂરી કોર્પોરેશનને નાણાકીય નુકશાન પહોંચાડતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.હાજરી કૌભાંડ અંગે કોર્પોરેશનના આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા આઠ હંગામી કર્મચારીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાના ધ્યાને ચોંકાવનારી બાબત આવી હતી જેમાં કેટલાક વિભાગમાં કર્મચારીઓ હાજર રહેતા ન હોવા છતાં તેમની હાજરી પુરી કોર્પોરેશનને આર્થિક નુકશાન કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા હાજરી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા આરોપી (૧) મંદીપ ચાવડા રહે.નાનીવાવડી મોરબી (૨) વિમલભાઇ બાવળીયા રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી સામાકાંઠે (૩) અભયભાઇ છબીલભાઇ ચૌહાણ રહે.મોરબી, સામાકાંઠે રામકૃષ્ણનગર (૪) સુનીલભાઇ ભરતભાઇ મકવાણા રહે.મોરબી (૫) રોહીતભાઇ ધીરુભાઇ રહે.મોરબી (૬) લલીતભાઇ કુમાર ચાવડા રહે.મોરબી (૭) સંજયભાઇ ઘનશ્યામભાઇ ચાવડા રહે.મોરબી અને આરોપી (૮) રાજેશભાઇ રહે.મોરબી વાળાઓ કામે ન આવતા હોય તેવા કર્મચારીઓની હાજરી પુરી નાખતા હોવાનું સીસીટીવી ફુટેજની તપાસમાં સામે આવ્યું હતું.કોર્પોરેશનના હાજરી કૌભાંડ અંગે મહાનગર પાલિકાના આઉતસોર્સ કર્મચારી દીપભાઈ સુરેશભાઈ ફળદુએ હાજરી કૌભાંડ આચરી નોકરી પર ન આવતા 13 કર્મચારીઓની હાજરી પુરી કોર્પોરેશનને બે દિવસની ખોટી હાજરી બદલ રૂ.9755 રૂપિયાનું નુકશાન પહોંચાડતા પગારની ઉચાપત મામલે આઠેય આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.