યુવાનોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે કરાટે, લાઠી, તલવારબાજી, યોગ અને સંધ્યા-હવન સહિતનું પ્રશિક્ષણ અપાશે: 12 થી 21 વર્ષના યુવાનો ભાગ લઈ શકશેટંકારા : ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા અને બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના સંયુક્ત ઉપક્રમે આર્યસમાજ ટંકારા દ્વારા મે મહિનામાં એક વિશેષ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 'પ્રાંતીય આર્યવીર પ્રશિક્ષણ ગ્રીષ્મ શિબિર' શીર્ષક હેઠળ આ કાર્યક્રમ 11 મે 2026, સોમવારથી 17 મે 2026, રવિવાર સુધી ટંકારા ખાતે યોજાશે.આ શિબિરમાં સહભાગી થનાર આર્યવીરોને શારીરિક અને માનસિક વિકાસ માટે કરાટે, આત્મરક્ષણ, દંડ બેઠક, લાઠી, ભાલા, તલવારબાજી તેમજ સૂર્ય નમસ્કાર જેવી કળાઓનું પ્રશિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત યોગ, પ્રાણાયામ, સંધ્યા-હવન, ધ્યાન અને ચિંતન દ્વારા આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનું સિંચન કરવામાં આવશે. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં સાહસ, સંઘર્ષ, પુરુષાર્થ અને વ્યક્તિત્વ વિકાસની સાથે શિષ્ટાચાર અને નમ્રતા જેવા ગુણો કેળવવાનો છે.શિબિરના નિયમો મુજબ 12 વર્ષથી 21 વર્ષ સુધીના ભાઈઓ આ શિબિરમાં ભાગ લઈ શકશે. દરેક શિબિરાર્થી દીઠ 100 રૂપિયા શુલ્ક રાખવામાં આવેલ છે. શિબિર દરમિયાન મોબાઈલ રાખવાની મનાઈ રહેશે. શિબિરાર્થીઓએ રમતગમત અને વ્યાયામ માટે અનુકૂળ યુનિફોર્મ (ટ્રેક પેન્ટ અને ટીશર્ટ) તેમજ દૈનિક જરૂરિયાતની ચીજો સાથે લાવવાની રહેશે.શિબિરનો પ્રારંભ સમારોહ 11 મે 2026 ના રોજ સવારે 10 કલાકે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ, ટંકારા ખાતે યોજાશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધનજીભાઈ આર્ય (ઉપપ્રમુખ, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા - સૌરાષ્ટ્ર ક્ષેત્ર) ઉપસ્થિત રહેશે. મુખ્ય અતિથિ વિશેષ તરીકે ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજરી આપશે. આ ઉપરાંત ટંકારા નગરપાલિકાના પ્રમુખ, ધવલભાઈ બરછા અને નટવરસિંહ પરમાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી આર્યવીરોને પ્રોત્સાહિત કરશે.આ શિબિરના સફળ આયોજન માટે સ્વામી દેવવ્રતજી (સંરક્ષક), વાચોનિધિ આચાર્ય (પ્રમુખ, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા), દીપક ઠક્કર (મહામંત્રી), ભગવાનજીભાઈ ભીમાણી (પ્રમુખ, આર્યસમાજ ટંકારા), દેવકુમાર આર્ય અને વિજય બોરીચા સહિતની ટીમ કાર્યરત છે. શિબિરનું સમાપન 17 મે 2026 ના રોજ સવારે કરવામાં આવશે.#Tankara #AryaSamaj #SummerCamp #YouthEmpowerment #AryaveerShibir #MorbiUpdate #MorbiNews #GujaratNews #PhysicalTraining