હળવદ પોલીસ મથકમાં નોંધાયેલા પોકસો કેસમાં મોરબી સેશન્સ કોર્ટે જાહેર કર્યો ચુકાદો : ભોગ બનનાર સગીરાને 4,25,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ : ગુનામાં મદદગારી કરનાર સહઆરોપીનો છુટકારોમોરબી: મોરબી સ્પેશ્યલ જજ (પોકસો કોર્ટ) અને એડીશનલ સેશન્સ જજની કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરા પર દુષ્કર્મના ગંભીર કેસમાં કોર્ટે મુખ્ય આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને કુલ 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગત 15-12-2023 ના રોજ સવારના 07:00 વાગ્યાના અરસામાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના 22 વર્ષીય આરોપી આદીલ ઉર્ફે કાળો રહીમભાઈ બાવનીયાએ સગીરાને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈ અલગ-અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં અન્ય આરોપી 33 વર્ષીય જયેશભાઈ હરીભાઈ રાઠોડે પોતાની ઈકો કાર (નંબર GJ 13 CA 5517) માં આરોપી અને ભોગ બનનારને હળવદ વિસામો હોટલ પાસેથી દસાડા ખાતે લઈ જઈને રહેવાની સગવડ કરી આપી મદદગારી કરી હોવાનો આક્ષેપ હતો. આ સમગ્ર મામલે ભોગ બનનારના પરિવારની ફરિયાદના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર 853/2023 થી ગુનો નોંધવામાં આવ્યો હતો.આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ નિરજ ડી. કારીઆની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા 29 દસ્તાવેજી પુરાવાઓ તથા 17 સાક્ષીઓની જુબાનીને ધ્યાને લેવામાં આવી હતી. કોર્ટે મુખ્ય આરોપી આદીલ ઉર્ફે કાળો રહીમભાઈ બાવનીયાને દોષિત ઠેરવી 20 વર્ષની કેદની સજા અને રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે.જ્યારે આ કામના બીજા આરોપી જયેશભાઈ હરીભાઈ રાઠોડને કોર્ટે IPC ની કલમ 363 અને 114 મુજબના ગુનામાંથી નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો છે. જોકે, નિર્દોષ છૂટેલા આરોપીએ અપીલ કોર્ટમાં હાજર રહેવાની ખાતરી આપતા 6 માસ માટે 15,000 રૂપિયાના જામીન રજૂ કરવાના રહેશે. સજા ઉપરાંત કોર્ટે ગુજરાતની ભોગ બનનારને વળતર માટેની યોજના-2019 અંતર્ગત પીડિતાને 4,00,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત આરોપી આદીલ દ્વારા જે 25,000 રૂપિયાનો દંડ ભરવામાં આવે તે પણ પીડિતાને આપવા જણાવાયું છે, જેથી કુલ 4,25,000 રૂપિયાનું વળતર ભોગ બનનારને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબી મારફતે એકાઉન્ટ પેઈ ચેકથી ચૂકવવામાં આવશે. આ કેસમાં સરકારી વકીલ નીરજ કારીઆ રોકાયેલ હતા.#Morbi #MorbiUpdate #POCSOCourt #MorbiNews #Justice #HalvadPolice #CrimeNews #GujaratNews