'મારે વિધર્મીઓના મત જોઈતા નથી, 2.25 લાખ હિન્દુ મતદારો પર મને વિશ્વાસ છે' : વાંકાનેરમાં કોંગ્રેસી કાર્યકરે મજાક ખાતર વીડિયો ઉતાર્યો હોવાનો દાવો; બદનામ કરવાના ષડયંત્ર પાછળના તત્વોને ખુલ્લા પાડવાની કાનૂની ચીમકીવાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો કોંગ્રેસને મત આપવાની વાત કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો મુદ્દે ભારે ચર્ચા જાગ્યા બાદ, જીતુભાઈ સોમાણીએ સ્પષ્ટતા કરી છે અને આ વાયરલ વીડિયોને પોતાને બદનામ કરવાનું એક આયોજનબદ્ધ ષડયંત્ર ગણાવ્યું છે.જીતુભાઈ સોમાણીએ આકરા તેવર બતાવતા જણાવ્યું હતું કે, તેઓ ચુસ્ત હિન્દુવાદી કાર્યકર્તા છે અને આરએસએસ (RSS) ના સ્વયંસેવક છે. તેમના રગે રગમાં હિન્દુત્વ વસે છે. દલડીના જે શખ્સે આ વીડિયો વિશે દાવો કર્યો છે, તેના વિશે વાત કરતા તેમણે 20 થી 25 વર્ષ જૂનો કિસ્સો ટાંક્યો હતો જેમાં માલધારીની ગાયોની હત્યાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જીતુભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 2002 થી તેઓ અને તેમના પત્ની ધારાસભ્ય તરીકે ચૂંટણી લડતા આવ્યા છે અને તેમણે જાહેરસભાઓમાં હંમેશા કહ્યું છે 'મારે વિધર્મીઓના મત જોઈતા નથી અને તેઓ મારી મતપેટી બગાડે તે મને મંજૂર નથી,' તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.વાયરલ વીડિયો પાછળની હકીકત જણાવતા જીતુભાઈએ કહ્યું કે, એક કોંગ્રેસી કાર્યકરે ટીખળ કરવાના હેતુથી તેમને પૂછ્યું હતું કે મત કોને આપવાના? જેના જવાબમાં જીતુભાઈ સોમાણીએ કટાક્ષમાં કહ્યું હતું કે 'હું ગમે તેટલું કરું, તમે ભાજપને તો મત આપવાના નથી, કોંગ્રેસને જ મત આપવાના છો.' આ કટાક્ષભરી વાતચીતનો વીડિયો ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે.પોતાના વિધાનસભા વિસ્તારના 2.25 લાખ હિન્દુ મતદારો પર પોતાને પૂરો ભરોસો હોવાનું જણાવતા જીતુભાઈ સોમાણીએ આગામી 2027 ની ચૂંટણી માટે પણ હુંકાર કર્યો હતો કે તેઓ ત્યારે પણ હિન્દુઓના જ મત માંગશે. આ ઉપરાંત, તેમણે આ બાબતે વકીલની સલાહ લીધી હોવાનું જણાવ્યું હતું અને વીડિયો વાયરલ કરી છબી ખરાબ કરવાના આ ષડયંત્ર પાછળ કોંગ્રેસ અથવા અન્ય જે પણ વિરોધી તત્વો સંડોવાયેલા હશે તેમની સામે કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરી તમામને ખુલ્લા પાડવાની ચીમકી ઉચ્ચારી છે.#Wankaner #JitubhaiSomani #ViralVideo #GujaratPolitics #MorbiUpdate #Elections2027 #RajkotNews