ઉનાળામાં સર્જાતી રક્તની અછતને પહોંચી વળવા બંને પરિવારોએ 51 બોટલ રક્ત એકત્ર કરી સમાજને નવો રાહ ચિંધ્યોમોરબી : હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે બ્લડ બેંકોમાં રક્તની અછત સર્જાતી હોય છે. ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબીના આદ્રોજા અને રાજપરા પરિવારે પોતાના સંતાનોના લગ્ન પ્રસંગે રક્તદાન કેમ્પ યોજીને એક નવી અને પ્રેરણાદાયક પહેલ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, હર્ષ (પ્રીત) રાજપરા અને તૃષા આદ્રોજાના લગ્ન પ્રસંગે રાજપરા અને આદ્રોજા પરિવાર દ્વારા સંસ્કાર બ્લડ બેંક મોરબી અને નાની વાવડી માનવસેવા ગ્રુપના સહયોગથી સનાળા પટેલ સમાજ વાડી ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નના રૂડા અવસરે યોજાયેલા આ સેવાકીય કાર્યમાં 51 રક્તદાતાઓએ રક્તદાન કરી નવદંપતીને અનોખી રીતે શુભેચ્છા પાઠવી હતી.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે નિલેશભાઈ રાજપરા, અમૃતભાઈ આદ્રોજા, જગદીશભાઈ આદ્રોજા, વિપુલભાઈ પડસુંબીયા તેમજ રાજપરા અને આદ્રોજા પરિવારના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. લગ્ન જેવા ખુશીના પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરી બંને પરિવારોએ સમાજ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ તકે સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ નવદંપતીને સુખી દામ્પત્યજીવનની શુભેચ્છા પાઠવી હતી. તેમજ રક્તદાતાઓ, આયોજકો અને રાજપરા તથા આદ્રોજા પરિવારનો આ ઉમદા કાર્ય બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #BloodDonation #BloodDonationCamp #SocialInitiative #SanskarBloodBank #MorbiNews #WeddingInspiration