સિક્યુરિટી એજન્સીની ઘોર બેદરકારી અને મહિલા સ્ટાફની સુરક્ષા મુદ્દે ઉઠ્યા સવાલ મોરબી: મોરબી સિવિલ હોસ્પિટલમાં હાલની સિક્યુરિટી વ્યવસ્થા અત્યંત નબળી અને જોખમકારક હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકરો રાજુભાઈ વી. દવે, જગદીશભાઈ જી. બાંભણીયા, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા અને રાણોવાડીયા દેવેશ મેરૂભાઈ દ્વારા મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, ડીન, કલેક્ટર અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, નવો કોન્ટ્રાક્ટ આપવા છતાં સુરક્ષા વ્યવસ્થામાં કોઈ સુધારો થયો નથી અને દર્દીઓ તેમજ સ્ટાફની સુરક્ષા જોખમાઈ રહી છે.ઈમરજન્સી વિભાગમાં ભીડ અને ટ્રાફિકની સમસ્યાસામાજિક કાર્યકરોએ જણાવ્યું છે કે ઈમરજન્સી વોર્ડમાં એક દર્દી સાથે 10 થી 15 જેટલા લોકો ભેગા થતા હોવા છતાં સિક્યુરિટી દ્વારા કોઈ રોકટોક કરવામાં આવતી નથી. આ ઉપરાંત, ઈમરજન્સી ગેટ પાસે આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા હોવાથી 108 એમ્બ્યુલન્સને અવરોધ પેદા થાય છે, જે ગંભીર દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.મહિલા સ્ટાફની સુરક્ષા જોખમમાંહોસ્પિટલના ICU, ફીમેલ વોર્ડ અને લેબોરેટરી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતી સુરક્ષા ઉપલબ્ધ નથી. ઘણીવાર દર્દીઓના સગા દારૂના નશામાં આવીને ગેરવર્તણૂક કરતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ખાસ કરીને જ્યાં મહિલા નર્સિંગ સ્ટાફ એકલો હોય ત્યાં તેમની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સામાજિક કાર્યકરોની મુખ્ય માંગણીઓ: • નવી અને સક્ષમ એજન્સીને કોન્ટ્રાક્ટ આપી તાલીમબદ્ધ સ્ટાફ મૂકવો. • હોસ્પિટલના દરેક સંવેદનશીલ વિભાગમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવી. • ઈમરજન્સી સેવાના માર્ગો ખુલ્લા રાખવા માટે કડક નિયમો લાગુ કરવા. • મહિલા સ્ટાફ અને દર્દીઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવી.જો આગામી દિવસોમાં આ બાબતે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં થનાર કોઈપણ દુર્ઘટનાની જવાબદારી હોસ્પિટલ તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.#Morbi #CivilHospital #SecurityIssue #MorbiUpdate #HealthDepartment #SocialWorkers #SafetyFirst