મોરબી સેન્ટરના ઈતિહાસમાં સૌથી વધુ ગુણ મેળવતી સાક્ષી સવસાણીમોરબી : આજ રોજ જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં મોરબીના નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઈતિહાસ રચી દીધો છે. નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતી સાક્ષી સવસાણીએ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 99.99 પીઆર મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો છે. સાથે જ તેણીએ મોરબી સેન્ટરના ઈતિહાસમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે.વર્ષોની અથાગ મહેનત, અનેક રાતોના ઉજાગરા, શિક્ષકોનું માર્ગદર્શન, માતા-પિતાના સાથ સહકારથી સાક્ષી સવસાણીએ ધોરણ 10માં 99.99 પીઆર સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબર મેળવ્યો છે. સાથે જ મોરબી સેન્ટરના ઈતિહાસમાં સૌથી વધુ 591 ગુણ મેળવીને ઈતિહાસ રચી દીધો છે.આ અંગે મોરબી અપડેટ સાથે વાતચીત કરતાં સાક્ષી સવસાણીએ જણાવ્યું હતું કે, આજના આ પરિણામથી હું ખૂબ જ ખુશ છું. આ પરિણામ પાછળ નવયુગ વિદ્યાલયના શિક્ષકો, પી.ડી. કાંજીયા સર, માતા-પિતાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. શરૂઆતથી જ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સાતત્યપૂર્ણ મહેનત કરી છે તેથી આ પરિણામ મળ્યું છે. તેથી હું સૌનો આભાર વ્યક્ત કરું છું. અન્ય વિદ્યાર્થીઓને સફળતાનો મંત્ર જણાવતા સાક્ષીએ કહ્યું હતું કે, વર્ષની શરૂઆતથી જ એકધારી મહેનત કરવી પડે. શાળામાં જે ભણાવ્યું હોય તે દરરોજ ઘરે આવીને રિવિઝન કરી લેવાનું અને સોશિયલ મીડિયાથી દુર રહેવાથી ધાર્યું પરિણામ મેળવી શકાય.વિદ્યાર્થિનીના પિતાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, તેમની દીકરીનું આ પરિણામ જોઈને તેઓ અત્યંત હર્ષની લાગણી અનુભવે છે. તેણીએ વર્ષની શરૂઆતથી જ સાતત્યપૂર્ણ મહેનત કરી હતી. આ મહેનતમાં નવયુગ પરિવારનું સંપૂર્ણ માર્ગદર્શન મળ્યું. છેલ્લા બે મહિના શાળા દ્વારા પરીક્ષાઓ લઈને મૂલ્યાંકન કરવામાં આવતું હતું જેનું આ પરિણામ મળ્યું છે.