ભોગ બનનાર બાળકને રૂપિયા 4.04 લાખ વળતર ચૂકવવા હુકમમોરબી : હળવદ પંથકમાં ત્રણ વર્ષ પૂર્વે બુટ તેમજ કપડા લઈ દેવાનું કહી મોટર સાયકલમાં નવ વર્ષના બાળકને લઈ જઈ બાવળની ઝાડીમાં બાળક સાથે શારીરિક અડપલા કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામના નરાધમ શખ્સને મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટે 20 વર્ષની કેદની સજા તેમજ રૂપિયા 4 હજારનો દંડ ફટકારતો હુકમ કરી સમાજમાં બાળકો સાથે થતી જાતીય સતામણી રોકવા માટે આકરો સંદેશ આપ્યો છે.ચકચારી કેસની વિગત જોઈએ તો હળવદ પંથકમાં નવ વર્ષના બાળકને કાયદેસરના વાલીપણામાંથી બુટ તેમજ કપડાં આપવાને બહાને લઈ જઈ થોડી વારમાં મૂકી જવ છું કહી આરોપી અક્ષય રમેશભાઈ દેગામા ઉ.25 રહે.ચીખલી તા.માળીયા મિયાણા વાળો લઈ ગયો હતો.બાદમાં આરોપી અક્ષય બાળકને મોટર સાયકલમાં બેસાડી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં બાળકના શરીર સાથે છેડછાડ અડપલા કરી બાદમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા આ હીંચકારા બનાવ અંગે બાળકના વાલીએ ફરિયાદ નોંધાવી હતી.સમાજ માટે લાલબત્તીરૂપ આ કિસ્સામાં હળવદ પોલીસે વર્ષ 2023મા ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી ગુન્હાના કામે ઉપયોગમાં લીધેલ બાઈક કબ્જે કરી કાનૂની કાર્યવાહી કરી.સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અંગેનો કેસ મોરબીની સ્પેશિયલ પોકસો અદાલતમાં ચાલી જતા કોર્ટે 12 મૌખિક અને 29 દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ એન.ડી.કારીયાની ધારદાર દલીલો ધ્યાને લઇ આરોપી અક્ષય દેગામાને 20 વર્ષની કેદ અને 4 હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.સાથે જ સ્પેશિયલ કોર્ટે ભોગ બનનાર બાળકને સરકારી જોગવાઈ મુજબ રૂ.4 લાખનું વળતર તેમજ આરોપીને ફટકારવામાં આવેલ દંડની 4 હજારની રકમ મળી રૂ.4.04 હજાર કંપેસેશન ચૂકવવા હુકમ કર્યો હતો.