મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી સુધીનો રસ્તો બન્યો માથાના દુખાવા સમાન : લોખંડના ખુલ્લા સળિયા અને ઊંચી કુંડીઓના ઢાંકણા કારણે રોજના 5 થી 7 વાહનોના ટાયર ફાટવાની ઘટનામોરબી : મોરબીમાં નટરાજ ફાટક પાસે બની રહેલા ઓવરબ્રિજનું કામ છેલ્લા 2 થી 3 વર્ષથી ચાલી રહ્યું છે અને તે ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. મહારાણા પ્રતાપ સર્કલથી આગળ ત્રાજપર ચોકડી અને સર્કિટ હાઉસ તરફ જતા બ્રિજનું કામ છેલ્લા 4 થી 6 મહિનાથી અત્યંત મંથર ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.સામાન્ય રીતે કોઈપણ બ્રિજનું કામ શરૂ કરતા પહેલા બંને તરફ યોગ્ય સર્વિસ રોડ બનાવવો જરૂરી છે, પરંતુ અહીં યોગ્ય રીતે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી. હાલમાં જે સર્વિસ રોડ કાર્યરત છે, ત્યાં માત્ર એક જ વાહન પસાર થઈ શકે તેટલી સાંકડી જગ્યા રાખવામાં આવી છે. આ રસ્તા પર પણ વચ્ચે-વચ્ચે અનેક જગ્યાએ ખાડાઓ અને પથ્થરો જોવા મળે છે.મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી તરફ જતા રસ્તા પર પિલર બનાવવા માટે ખોદવામાં આવેલા ખાડાઓમાંથી લોખંડના સળિયા (ખીલા) બહાર કાઢીને ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભૂગર્ભ ગટરની કુંડીઓ રોડની સપાટી (લેવલ) કરતા ઊંચી હોવાથી તેના લોખંડના ભાગ અને ખીલાઓ બહાર દેખાઈ રહ્યા છે. સાંકડા રસ્તા અને સફાઈના અભાવે આ જોખમી સ્થિતિનું નિર્માણ થયું છે.આવવા અને જવા એમ બંને તરફના રસ્તા પરના આ ખુલ્લા સળિયા અને કુંડીઓના ઠૂંઠાના કારણે રોજના 5 થી 7 વાહનોના ટાયર ફાટવાની ઘટનાઓ બની રહી છે. વાહનચાલકોના ટાયર ફાટવા અને પંચર થવાના બનાવો રોજિંદા બની ગયા હોવાથી આ રસ્તો લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે.ભૂગર્ભ ગટરની કુંડીઓ અને ખીલાઓથી રોજ ટાયર ફાટે છેસ્થાનિક વાહનચાલકે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, ગટરની કુંડીઓના ઢાંકણા અને રોડ પર બહાર નીકળેલા ખીલાઓના કારણે અમારી રીક્ષા અને અન્ય વાહનોના ટાયર ફાટી રહ્યા છે. રોજના 3 થી 4 વાહનોના ટાયર ફાટવાના બનાવો તો સામાન્ય છે. જ્યારથી પુલનું કામ ચાલુ થયું છે ત્યારથી આ તકલીફ છે અને તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કે સમારકામ કરવામાં આવતું નથી.રોજ સાંજે ભારે ટ્રાફિક જામ, બાઈક સ્લીપ થવાના બનાવો પણ બને છેસ્થાનિક યુવાન રાકેશભાઈએ તંત્રની બેદરકારી અંગે રોષ ઠાલવતા કહ્યું હતું કે, અહીં રોજના 4 થી 5 ફોર વ્હીલર વાહનોમાં પંચર પડે છે. આ બાબતે 4 થી 5 વખત ફરિયાદો લખાવી હોવા છતાં કોઈ સરખું કરતું નથી. સર્વિસ રોડ પર કોઈ ધ્યાન ન અપાતા રોજ સાંજે અહીં ભારે ટ્રાફિક જામ થાય છે અને બાઈક સ્લીપ થવાના બનાવો પણ બને છે. છેલ્લા 4 થી 5 મહિનાથી આ જ સ્થિતિ છે, છતાં કોઈ અધિકારી અહીં જોવા પણ આવતા નથી.કોઈ જવાબદાર અધિકારી અહીં ફરકતા પણ નથીવૃંદાવન પાર્કમાં રહેતા દિલીપભાઈએ જણાવ્યું હતું કે, રસ્તા પર આખેઆખી ગ્રીલ બહાર છે જેના સળિયા મોટરસાયકલ કે ફોર વ્હીલના ટાયર કાપી નાખે તેવી જોખમી સ્થિતિમાં છે. અમારી વિનંતી છે કે આને તાત્કાલિક રીપેર કરી નીચે બેસાડી દેવામાં આવે. લાંબા સમયથી આ સ્થિતિ હોવા છતાં અને વાહનોના ટાયરને ભારે નુકસાન થઈ રહ્યું હોવા છતાં, કોઈ જવાબદાર અધિકારી અહીં ફરકતા પણ નથી.#Morbi #MorbiUpdate #NatrajPhatak #Overbridge #MorbiNews #TrafficIssue #PublicIssue #GujaratNews