ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત મોરબીમાં કાલે રવિવારે હરિદ્વારના સંતોની ઉપસ્થિતિમાં વિશેષ મીટિંગનું આયોજનમોરબી : દેશભરમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા અને ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાવવાના ઉદ્દેશ્યથી 'ગૌ સન્માન આહવાન અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મોરબીમાં 10,000 લોકોની સહી ઝુંબેશ હાથ ધરીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની રૂપરેખા ઘડવા માટે કાલે 3 મેના રોજ એક વિશેષ મીટિંગ બોલાવવામાં આવી છે.હરિદ્વારના આશ્રમના ગુરુજી અને અન્ય સંતો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે આ રાષ્ટ્રવ્યાપી અભિયાન ઉપાડવામાં આવ્યું છે. આ અભિયાનને અમિતાભ બચ્ચન, સાઈરામ દવે અને 'ધ કેરળ સ્ટોરી' ફિલ્મના હિરોઈન સહિતના દિગ્ગજોએ સમર્થન આપ્યું છે. આ ઝુંબેશ હેઠળ એક કાગળ પર લોકોના નામ, નંબર અને સહી લેવામાં આવશે. મોરબીમાં પણ આ માટે 10,000 સહીઓ કરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.આ અભિયાનનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકાર દ્વારા ગૌવંશને રાષ્ટ્ર સ્તરીય સમ્માન પ્રદાન કરાવવાનો, કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલય બનાવવાનો અને ગૌચર બોર્ડની રચના કરવાનો છે. આ એક નિઃસ્વાર્થ અને પવિત્ર અભિયાન છે જેમાં કોઈપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી. આગામી 7 મેના રોજ મોરબીમાં 10,000 લોકોની સહી સાથેનું આવેદન પત્ર આપવામાં આવશે. ત્યારબાદ 1 તારીખે કલેક્ટરને અને આગળ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત પહોંચાડવામાં આવશે. આ માટે લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે સહી માટેનો કાગળ તેમના સુધી પહોંચે ત્યારે તેમાં પોતાનું નામ લખી, સહી કરી ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા પોતાની સહમતી આપે. આ અભિયાનની વિસ્તૃત ચર્ચા માટે હરિદ્વારથી પધારેલા અગ્રણી સ્વામી અચ્યુતાનંદજીની વિશેષ ઉપસ્થિતિમાં મોરબી ખાતે ગૌ પ્રેમીઓની એક મીટિંગ રાખવામાં આવેલ છે. આ મિટિંગ આવતીકાલે તા.3 મે, રવિવારના રોજ રાત્રે 9.00 વાગ્યે નીલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે. જેમાં સમસ્ત ગૌ પ્રેમીઓને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.#Morbi #MorbiUpdate #GauMata #RashtraMata #GauSammanAbhiyan #MorbiNews #Gujarat #CowProtection