મહિલા ઉમેદવારમાં પાયલ કુકડિયા અને મનિષાબેન દંતેસરીયા તો પુરુષમાં સિરાજ અબ્રાણી અને પંકજ કારેલિયા રેસમાં: અઠવાડિયામાં નવા પ્રમુખની જાહેરાત થવાની શક્યતાટંકારા : મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા ખાતે પ્રથમ વખત યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. ચૂંટણી પરિણામો બાદ હવે ટંકારા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે કોની પસંદગી થશે તે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રમુખ પદ માટે ઓબીસી (OBC) અનામત બેઠક હોવાથી પાલિકાના પ્રથમ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર મંડાયેલી છે.પ્રમુખ પદ માટેના દાવેદારોમાં જો પક્ષનું શીર્ષ નેતૃત્વ મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળશે તો ગુજરાતમાં સૌથી યુવા નેતા તરીકે પાયલબેન કુકડીયાની પસંદગી થવાની શક્યતા છે. બીજી તરફ મનિષાબેન દંતેસરીયાને પણ મોટા દાવેદાર માનવામાં આવે છે. ઠાકોર સમાજમાં બહોળું પ્રભુત્વ અને સૌના સાથ-સહકાર થકી ભાજપ સાથેના કાયમી જોડાણને પગલે તેમની પસંદગી થાય તો નવાઈ નહીં.તો બીજી તરફ જો પુરુષ ઉમેદવારની પસંદગી કરવામાં આવે તો યુવા એડવોકેટ સિરાજ અબ્રાણીનું નામ મોખરે છે. લઘુમતી સમાજના અગ્રણી નેતા સિરાજ અબ્રાણી દશકાઓથી પક્ષ સાથે જોડાયેલા છે. સરપંચથી લઈને તાલુકા કક્ષાએ કાયમ ભાજપ તરફી જીતીને તેમણે પ્રતિનિધિત્વ કર્યું છે અને પાલિકાની ચૂંટણીમાં પણ લઘુમતી મતદારોને પક્ષની વિચારધારા સાથે જોડીને પરિણામલક્ષી કાર્ય કરી બતાવ્યું છે. આ ઉપરાંત લુહાર-સુથાર સમાજના અગ્રણી પંકજ કારેલિયાની પણ પસંદગી થઈ શકે છે, જેઓ બહોળો અનુભવ અને આવડત ધરાવે છે.જોકે, ટંકારામાં પ્રમુખ પદને લઈને પક્ષમાં કોઈ ખેંચતાણ કે જૂથબંધી જોવા મળતી નથી. પક્ષ જેના પર વિશ્વાસ મુકશે તેની સાથે ખભે ખભો મિલાવીને વિકાસના કામોમાં જોડાવા માટે તમામ ચૂંટાયેલા સદસ્યોએ તૈયારી દર્શાવી છે. આગામી 1 અઠવાડિયા સુધીમાં ટંકારા નગરપાલિકાને તેના પ્રથમ પ્રમુખ મળી જશે તેવી શક્યતા છે.#Tankara #TankaraNagarPalika #GujaratPolitics #BJP #OBCReservation #MorbiUpdate #MorbiNews #TankaraNews