ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓએ શાળાને વોટર કુલર ભેટમાં આપ્યુંમોરબી : બાળકોના જીવન ઘડતર અને લાઈફ સ્કિલના વિકાસમાં પ્રાથમિક શાળાનો ફાળો ખૂબ જ મહત્વનો હોય છે. વિદ્યાર્થીઓ તેમના જીવનના સૌથી વધુ 8 વર્ષ પ્રાથમિક શાળામાં વિતાવે છે, ત્યારે આ યાદોને ચિરંજીવ બનાવવાના ઉમદા હેતુથી મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળા ખાતે ધોરણ 8 ની બાળાઓનો દીક્ષાંત અને વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં શાળાની ધોરણ 6 થી 8 ની બાળાઓ દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રસેવા અને દેશની એકતા તથા અખંડિતતા દર્શાવતા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ તમામ વિદ્યાર્થીનીઓને શિખામણ આપતા જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ખૂબ આગળ અભ્યાસ કરી, સખત મહેનત દ્વારા હોશિયાર બની શાળા અને પરિવારનું નામ રોશન કરજો. દીકરીઓ પર બે કુળને તારવાની જવાબદારી હોય છે, તે જવાબદારી બરાબર નિભાવજો તેવી પ્રેરણાદાયી વાતો કરી હતી.વિદાય લઈ રહેલી બાળાઓએ પણ શાળામાં વિતાવેલા પોતાના 8 વર્ષના અનુભવો રજૂ કર્યા હતા. ધોરણ 8 ની તમામ બાળાઓ તરફથી શાળાને એક નાનું વોટર કુલર ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું. અંતમાં શાળા પરિવાર તરફથી તમામ બાળાઓને ભાવતા ભોજન જમાડીને સ્નેહપૂર્વક વિદાય આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન અને વ્યવસ્થાપન માટે શાળાના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MadhaparwadiKanyaShala #FarewellCeremony #DikshantSamaroh #Education #MorbiUpdate #MorbiNews