શ્રમિક પરિવારોની સસ્તી મુસાફરી અને સૌરાષ્ટ્રના વિકાસ માટે ફેન કમિટીના કન્વીનરની મુખ્યમંત્રીને લેખિત રજૂઆતમોરબી : મોરબી અને તેની આસપાસના વિસ્તારો જેમ કે ટંકારા, નવલખી, વાંકાનેર અને ઘાટીલામાં જબરજસ્ત ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે. અહીં હજારોની સંખ્યામાં દેશી તેમજ પરપ્રાંતીય શ્રમિક પરિવારો વસવાટ કરી રહ્યા છે. આ શ્રમિક પરિવારોના દૈનિક પરિવહનને સરળ અને સસ્તું બનાવવા માટે મોરબીથી આ તમામ સેન્ટરો વચ્ચે 100 વર્ષ જૂની રેલવે લાઇન પર ટ્રામ સેવા શરૂ કરવા માંગ કરવામાં આવી છે.રાપર તાલુકાના પલાંસવા ગામના બાલશૈવ ગણેશપૂજિત બારબારવિજયી નરેન્દ્રભાઈની ફેન કમિટીના કન્વીનર બાદરલાલ છગનલાલ (બાદર શેઠ) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ પત્રમાં જણાવાયું છે કે સૌને પરવડે તેવી રેલવેની સેવા જે મોરબી સ્ટેટે 100 વર્ષ પહેલાં કરી હતી. તે જ લાઇન દોરી પર હવે રેલવેને સમાંતર ટ્રામ સેવા શરૂ કરવામાં આવે. અગાઉ મોરબીથી વાંકાનેર વગેરે બાજુ જવા માટે રેલવેના પાટા ગ્રીન ચોક મહેન્દ્રપરામાં હતા. તે પાટાઓની જગ્યાએ હવે ટ્રામનો ટ્રેક શરૂ કરવા રજૂઆત કરાઈ છે.જો આ ટ્રામ સેવા શરૂ થાય તો શ્રમિક પરિવારોને ઘરથી ફેક્ટરી સુધી આવવા-જવા માટે અત્યંત કિફાયતી ભાડામાં મુસાફરીનો લાભ મળશે. રજૂઆતમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર પોતાના બજેટમાં આ પ્રોજેક્ટ માટે 50 ટકાથી વધુ રકમની જોગવાઈ કરે અને બાકીની રકમ કેન્દ્ર સરકારના સહયોગથી મેળવીને આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવે. પત્રમાં વિશ્વાસ વ્યક્ત કરાયો છે કે આ પ્રોજેક્ટ સાકાર થવાથી તે સમગ્ર સૌરાષ્ટ્રનું એક શ્રેષ્ઠ નજરાણું બની રહેશે.#Morbi #MorbiUpdate #TramService #Wankaner #Tankara #Navlakhi #GujaratGovernment #PublicTransport #Saurashtra