પાંચ વર્ષ વિકાસના કામો કરી લોકોના હૃદયમાં સ્થાન પામવા ટકોર કરતા નેતાઓમોરબી : મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 29 એપ્રિલના રોજ શક્ત શનાળા સ્થિત કમલમ્ કાર્યાલય ખાતે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના નવનિયુક્ત ઉમેદવારો માટે 'અભિવાદન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી નેતાઓએ ચૂંટાયેલા સભ્યોને પ્રજાની સેવા કરવા, પારદર્શક વહીવટ આપવા અને આગામી ચૂંટણીઓ માટે અત્યારથી જ સજ્જ રહેવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.ખિસ્સા ભરવાને બદલે પ્રજાના વિકાસ પર ધ્યાન આપો: ગજેન્દ્ર સક્સેનાજિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્ર સક્સેનાંએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, 18 દિવસનું આ યુદ્ધ પૂર્ણ થયું છે. આપણે 250 સીટ પર ચૂંટણી લડ્યા છીએ, જેમાંથી 188 માં વિજેતા થયા છીએ. કોંગ્રેસને 63 અને આપ/અપક્ષને 9 બેઠકો મળી છે. તેમણે આગામી સમય માટે ચેતવણી આપતા જણાવ્યું કે, 'જોજો આ સાવરણા વાળા જમની જેમ ઘર ન ભાળી જાય.' ચૂંટાયેલા સભ્યોને કડક શબ્દોમાં સંદેશ આપતા તેમણે કહ્યું કે, મહાનગરપાલિકામાં 'ન ભૂતો ન ભવિષ્યતી' એવા 5 વર્ષમાં કાર્ય કરો. બધાનું ધ્યાન વિકાસ તરફ હોવું જોઈએ, ખિસ્સા તરફ નહીં. તમે તમારું પેટ ભરવા માટે સક્ષમ હશો, કોઈ પાસે હાથ ન લંબાવશો. નેકનામ બેઠક ગુમાવવા અંગે તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ થયો છે. તેમણે ચૂંટાયેલા સભ્યોને કોઈ નેતાની લોભ લાલચમાં ન આવવા અને સંગઠનને જ સર્વોપરી માનવા અનુરોધ કર્યો હતો.ચૂંટણી ખર્ચ કાઢવાને બદલે સેવાના કામોમાં રત રહો: ચંદુભાઈ શિહોરાસાંસદ ચંદુભાઈ શિહોરાએ ચૂંટાયેલા સભ્યોને હાકલ કરતા જણાવ્યું હતું કે, લોકોએ તમને વચનો પૂરા કરવા માટે 5 વર્ષ આપ્યા છે. ચૂંટાયા પછી ચૂંટણીનો ખર્ચો કાઢવામાં ન પડતા અને સેવાની પ્રવૃત્તિમાં લાગી જજો. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સારા એવા મત મળ્યા છે તે ધ્યાનમાં રાખીને, આવતી ચૂંટણીમાં ભાજપને વધુ મત મળે તેવી લોકસેવા કરવા તેમણે અપીલ કરી હતી.હાર માટે જવાબદાર લોકોને બે દિવસ ઊંઘ નહીં આવે: મોહન કુંડારિયાપૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, આ વિજય કાર્યકર્તાઓના બળ અને મહેનતનો છે. માત્ર જાજી સભાઓ કરવાથી જીત મળે છે તેવું ન સમજતા. બગથળા અને નેકનામ બેઠકો પર થયેલી હાર અંગે રોષ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, તેમાં જેનો પણ હાથ હશે તેને 2 દિવસ ઊંઘ નહી આવે. તેમણે ચૂંટાયેલા સભ્યોને 4 દિવસમાં પોતાના વિસ્તાર અને ગામડાઓમાં જઈને લોકોનો આભાર માનવા સૂચન કર્યું હતું.મનદુઃખ ભૂલી લોકોના કામોમાં લાગી જાવ: દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ તમામ ઉમેદવારોને પોતાના મનદુઃખ ભૂલીને લોકોના કાર્યો કરવા જણાવ્યું હતું. જ્યારે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ ગ્રાઉન્ડ લેવલે લોકોને પ્રાથમિક સુવિધાઓ સત્વરે મળે તે પ્રમાણે કાર્ય કરવા હાકલ કરી હતી.પ્રજા ફરિયાદ કરે તે પહેલા જ સમસ્યાનું નિરાકરણ લાવો: જયંતિભાઈ રાજકોટિયાજિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાએ માર્ગદર્શન આપતા જણાવ્યું કે, ચૂંટણીમાં જેટલા ઉત્સાહથી પ્રચાર કર્યો તેવા જ આનંદથી 5 વર્ષ સુધી લોકોના હૃદયમાં યાદ રહે એવું કાર્ય કરજો. લોકો ફરિયાદ કરે એ પહેલાં આપણે સમસ્યાઓ શોધીને તેનું નિરાકરણ લાવવું જોઈએ. સમાજ જ્યારે આપણને સ્વીકારે ત્યારે જ આપણે સાચા અર્થમાં ચૂંટાયેલા સભ્ય ગણાઈશું. તેમણે જણાવ્યું કે દર મહિને ચૂંટાયેલા સભ્યોને બોલાવીને માર્ગદર્શન આપવામાં આવશે અને દરેકે દરરોજ 2 કલાક સમાજ વચ્ચે જઈને લોકોના કાર્યો કરવા પડશે.ઉપસ્થિત આગેવાનો અને હોદ્દેદારોઆ સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, પ્રભારી ગજેન્દ્ર સક્સેનાં, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, પ્રદીપભાઈ વાળા, જયંતીભાઈ પટેલ, ચૂંટણી સમિતિના સંયોજક નરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા મહામંત્રી તપન દવે, નિર્મલભાઈ જારીયા, ઉપપ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા અને કાજલબેન ચંડીભમર સહિતના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #BJP #FelicitationCeremony #MorbiNews #GujaratPolitics #LocalElections