ગાય આપણી સંસ્કૃતિ છે, લોકોમાં પ્રેરણા વધે તે માટે ગાયનું દાન આપવામાં આવ્યુઃ ગોવિંદભાઈ વરમોરામોરબી : આજના સમયમાં લગ્ન એક દેખાદેખીનું માધ્યમ બની ગયું છે. ત્યારે મોરબીમાં આજે એક અનોખા લગ્ન યોજાયા હતા. જેમાં કન્યાને મામેરામાં ગાય માતાનું દાન આપવામાં આવ્યું હતું. આ અનોખો અને કદાચિત પ્રથમ વખત ચીલો ચાતર્યો છે મોરબીના પાટીદાર ભામાશા અને અગ્રણી ગોવિંદભાઈ વરમોરાના પરિવારે. આજે તારીખ 27 એપ્રિલના રોજ ગોવિંદભાઈ વરમોરાના દીકરીની દીકરી એટલે કે ગોવિંદભાઈની દોહિત્રીના લગ્ન હતા. આ લગ્નમાં કન્યાના મોસાળ પક્ષ એટલે કે ગોવિંદભાઈ, જગદીશભાઈ, ભુદરભાઈ તથા મામાશ્રીઓ મનોજભાઈ, હાર્દિકભાઈ, હિતેનભાઈ વરમોરા પરિવાર તરફથી મામેરામાં ગાય માતાનું દાન કરવામાં આવ્યું હતું.આ અંગે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં ગોવિંદભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનની સંસ્કૃતિમાં ગાયનું મહત્વ અનેકગણું છે. હિન્દુ સંસ્કૃતિની જનેતા ગાય છે. ગાય આધારિત કૃષિ કરવામાં આવે તે આજના સમયની માંગ છે. પ્રાકૃતિક કૃષિ માટે ગાય મહત્વનો પર્યાય છે. સમાજની સુખ અને સમૃદ્ધિ વધારવા દરેક ઘરના આંગણે ગાય હોવી જરૂરી છે. આજે રોગમુક્ત શરીર તેમજ સુખાકારી વધારવા માટે ગાય આધારિત કૃષિ અપનાવી તે સમયની માંગ છે. એટલું જ નહીં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ ગાય રાખવા પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને દેશના વિકાસ માટે ગાય અત્યંત જરૂરી છે. આમ ગાયના મહત્વને સમજીને અમે અમારી દીકરીની દીકરીને મામેરામાં ગાય આપી છે. 27 એપ્રિલના રોજ ધરમશીભાઈ મોતીભાઈ ભીમાણી તથા તેમનો પરિવાર અને નીલાબેન જયંતીભાઈ ભીમાણીની દીકરી વિધિબેન ભીમાણીના લગ્ન ઉર્વશીબેન દિલીપભાઈ ફળદુના દીકરા અક્ષિલ સાથે યોજાયા હતા. સામાન્ય રીતે લગ્ન મંડપમાં સોના-ચાંદીનું દાન આપવામાં આવતું હોય છે. ત્યારે અમારા પરિવાર દ્વારા દોહિત્રી વિધિને મામેરામાં ગાયનું દાન આપવામાં આવ્યું છે. આ ગાયને લગ્ન મંડપમાં ફિઝિકલ રાખવામાં આવી હતી. ગોવિંદભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, ગાય આપણી સંસ્કૃતિ છે. ગાય પ્રત્યે લોકોનો લગાવ વધે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ પણ આ અંગે મહેનત કરી રહ્યા છે. ત્યારે લોકોને ગાય તરફ આકર્ષવા માટે દીકરીને ગાયનું દાન આપવામાં આવ્યું છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જોગાનુજોગ જે જમાઈ છે તે પણ ગૌપ્રેમી છે. દોહિત્રી વિધિના જેમની સાથે લગ્ન થયા છે તે જમાઈ અક્ષિલકુમાર પણ છેલ્લા પાંચ વર્ષથી ગાયનું પાલન-પોષણ કરી રહ્યા છે. તેઓને અને તેમના પરિવારને ગાય પ્રત્યે ખૂબ જ લગાવ છે. તેથી તેમણે દીકરીને ગાયનું દાન આપવાનું નક્કી કર્યું અને આ ગાયનું તે લગ્ન બાદ પણ પાલન-પોષણ કરશે.ગોવિંદભાઈ વરમોરાએ જણાવ્યું કે, ગુજરાતમાં પ્રથમ વખત આ રીતે લગ્ન મંડપમાં ગાયને પ્રત્યક્ષ લાવીને ગાયનું દાન આપવામાં આવ્યું હશે. આગામી દિવસોમાં દીકરીઓને લગ્નમાં ગાય આપવાનો રિવાજ બને તેવી તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી.મહત્વનું છે કે, ગોવિંદભાઈ વરમોરાની દીકરીની દીકરીના લગ્ન આજે તારીખ 27 એપ્રિલના રોજ મોરબીના રોયલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ, સમાજના મોભીઓ અને આગેવાનો પધાર્યા હતા. ત્યારે લગ્ન મંડપમાં ગાયનું દાન અપાયું હતું તે જોઈને હાજર સૌ લોકોને પણ પ્રેરણા મળી હતી.