મતગણતરી સ્થળે કર્મચારીઓને ટ્રેનિંગ આપ્યા બાદ તે EVM પ્રાંત અધિકારીની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા : અધિકારીની સ્પષ્ટતાથી મામલો થાળે પડ્યોમોરબી : મોરબી પ્રાંત કચેરી ખાતે 2 EVM મશીનો લાવવામાં આવતા અને તેને સ્ટ્રોંગ રૂમમાં રાખી સીલ મારવામાં આવતા આપ અને અપક્ષ ઉમેદવારો અને રાજકીય પ્રતિનીધીઓએ તેને શંકાસ્પદ હિલચાલ ગણાવી કચેરીએ દોડી ગયા હતા. અને મતગણતરી કેન્દ્રની બદલે આ 2 EVM અહીં કેમ લાવવામાં આવ્યા તેના સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જો કે પ્રાંત અધિકારીએ આ EVM ટ્રેનિંગ માટે ડેમોસ્ટ્રેશનના હોવાનું જણાવ્યું હતું. આજે બપોરે મોરબી તાલુકા સેવા સદન કચેરીમાં પ્રાંત અધિકારી જે વોર્ડ નંબર 5 થી 9 ના RO છે. તેમની કચેરીમાં આ 2 EVM લાવવામાં આવ્યા હતા. અહીં આ બન્ને મશીનો સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાની જાણ અમુક અપક્ષ અને આપના ઉમેદવારો અને રાજકીય પ્રતિનિધિઓને થતા તેઓ કચેરી ખાતે દોડી ગયા હતા અને એવો પણ આક્ષેપ કર્યો હતો કે જો આ મશીનો મતગણતરી કેન્દ્રની બહાર કેમ છે અને કેમ અત્યારે અહીં લાવવામાં આવ્યા ? અને જો ડેમોન્સ્ટ્રેશન માટેના હતા તો લોકોને બતાવવામાં કેમ ન આવ્યા, અને અધિકારીઓ આ મશીન લઈને કેમ રખડતા હતા. આ સમગ્ર મામલે મોરબીના પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે કહ્યું કે આવતીકાલે હાથ ધરાનારી મતગણતરી પ્રક્રિયાની ટ્રેનિંગ માટે આ ડેમો અને ડિસ્પ્લે EVM અહીં લાવવામાં આવ્યા હતા. આ મશીનો મામલતદાર દ્વારા ત્યાં મૂકવામાં આવ્યા હતા. પ્રવીણસિંહ જેતાવતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અહીં રખાયેલા મશીનોમાં કોઈ પણ મતદાન થયેલા EVM નથી, પરંતુ માત્ર મતગણતરીની ટ્રેનિંગ માટેના જ EVM છે. વધુમાં થોડા જ સમયમાં પ્રાંત અધિકારીએ ઉપસ્થિત ઉમેદવારો અને રાજકીય પ્રતિનિધિઓને આ મામલે સમગ્ર સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેને પગલે મામલો થાળે પડ્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #EVM #GujaratElection #MorbiAdministration