મોરબી : હળવદ તાલુકાના કેદારિયા ગામ ખાતે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. લોકશાહીના આ મહાપર્વમાં તેઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી.મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ચંદુભાઈ શિહોરાએ જનતાને ખાસ સંદેશ આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની જનતા નિર્ભય રીતે અને ઉત્સાહભેર પોતાનું મતદાન કરે. મતદાન એ મહાદાન છે, જેથી લોકશાહીના આ મોટા પર્વને લોકોએ ભવ્ય રીતે ઉજવવો જોઈએ. વધુમાં તેઓએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં જે રીતે વિકાસની ગતિ પકડવામાં આવી છે તેને જોતા સમગ્ર રાજ્યમાં નગરપાલિકા, કોર્પોરેશન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જનતાનો ઝોક ભારતીય જનતા પાર્ટી તરફ છે. મને પૂર્ણ ભરોસો છે કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વધુમાં વધુ બેઠકો જીતશે.અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હળવદમાં આજે 20 તાલુકા પંચાયતની બેઠકો અને 5 જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં મતદારો પોતાનો કિંમતી મત આપવા મતદાન મથકો પર પહોંચી રહ્યા છે.#MorbiUpdate #Halvad #HalvadNews #Surendranagar #ChandubhaiShihora #GujaratElection #Voting #Democracy #MorbiNews #Gujarat #BJP