મોરબી: ગુજરાત રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે મોરબીના નગરજનોએ લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લઈને સમગ્ર રાજ્યમાં મોરબીનું ગૌરવ વધાર્યું છે. સવારે 11 વાગ્યા સુધીના સત્તાવાર આંકડાઓ મુજબ, ગુજરાતની કુલ 13 મહાનગરપાલિકાઓમાંથી મોરબી મહાનગરપાલિકા 25.16% મતદાન સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહી છે.રાજ્ય ચૂંટણી આયોગના આંકડાઓ અનુસાર, સવારે 11 વાગ્યા સુધીમાં ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં સરેરાશ 13.84% મતદાન નોંધાયું છે. જેની સામે મોરબીના મતદારોએ જાગૃતતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને સૌથી વધુ 25.16% મતદાન કર્યું છે. સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારીમાં મોરબી પ્રથમ સ્થાને છે, જ્યારે બીજા ક્રમે મહેસાણા મહાનગરપાલિકા (24.38%) અને ત્રીજા ક્રમે નડિયાદ મહાનગરપાલિકા (23.41%) નો સમાવેશ થાય છે.