જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયાએ તમામ બેઠકો જીતવાનો દાવો કર્યો, જ્યારે કોંગ્રેસના પુષ્પરાજસિંહ જાડેજાએ 18 જેટલી બેઠકો અને આપના પંકજ રાણસરિયાએ સાયલન્ટ વોટિંગથી પરિવર્તનનો આશાવાદ વ્યક્ત કર્યોમોરબી : મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ત્રિપાંખીયા જંગ સમાન આ ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતા જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ પોતપોતાની જીતના દાવાઓ રજૂ કર્યા છે. મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં ત્રણેય પક્ષોના નેતાઓએ રજૂ કરેલા દાવાઓ અને પ્રતિભાવો નીચે મુજબ છે.ભાજપનો દાવો: તમામ 52 બેઠકો પર જીત નિશ્ચિતમોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયાએ મોરબી મહાનગરપાલિકાની તમામ 52 માંથી 52 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અગાઉની નગરપાલિકાની ચૂંટણી કરતા આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં 10 ટકા જેટલું વધુ મતદાન નોંધાયું છે. આ વધેલા મતદાન અંગે પ્રમુખે જણાવ્યું હતું કે, લોકોને ભાજપ પર પૂરો વિશ્વાસ છે અને ભાજપ જે કહેશે તે કરશે તેવી લોકોની ભાવનાને કારણે જ મતદાનમાં આ ઉછાળો જોવા મળ્યો છે.કોંગ્રેસનો દાવો: લોકોમાં આક્રોશ અને આશ્ચર્યજનક પરિણામોની આશામોરબી મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સંભવિત પરિણામો અંગે નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે આ વખતનું મતદાન ક્યાંક ને ક્યાંક આશ્ચર્યજનક પરિણામો આપે તે પ્રકારનું થયું છે. ચૂંટણીના મતદાનમાં લોકોની અંદર 100 ટકા આક્રોશ જોવા મળ્યો હતો. લોકોના આ આક્રોશના કારણે મોરબી મહાનગરપાલિકામાં વિપક્ષને પ્રાથમિક દ્રષ્ટિએ ઓછામાં ઓછી 17 થી 18 બેઠકો મળતી દેખાઈ રહી છે. આમ આદમી પાર્ટીનો દાવો: સાયલન્ટ વોટિંગથી સ્વયંભૂ પરિવર્તનઆમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયાએ જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો અને લોકોમાં સ્પષ્ટપણે પરિવર્તનનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ વખતે સાયલન્ટ વોટિંગનું પ્રમાણ ખૂબ વધારે રહ્યું છે, જેના કારણે મોટા રાજકીય વિશ્લેષકો પણ વોટ શેર અને કોને ફાયદો થશે તેનો સચોટ અંદાજ લગાવી શક્યા નથી. લોકો પ્રવર્તમાન પરિસ્થિતિથી કંટાળી ગયા હતા અને સ્વયંભૂ પરિવર્તન માટે ઉમટી પડ્યા હતા. ખેડૂતોના મુદ્દે વાત કરતા તેમણે આક્રોશ સાથે ઉમેર્યું હતું કે સરકારે ખેડૂતોને બે પાંદડે થવા દીધા નથી, જેથી ખેડૂતો 100 ટકા જાગૃત થયા છે અને તેમનું સંપૂર્ણ સમર્થન આમ આદમી પાર્ટીને મળ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #MorbiElection #GujaratPolitics #MorbiNews #BJP #Congress #AAP