મોરબી : મોરબી શહેરના કંડલા બાયપાસ રોડ નજીક આવેલ મનુભાઈ પાર્કમાં રહેતા યુવકના ભાઈના મૃત્યુ બાદ એક શખ્સ બુલેટ મોટર સાયકલ બારોબાર લઈ ગયેલ હોવાથી બુલેટ પરત માંગતા માથાભારે શખ્સ અન્ય બે વ્યક્તિને સાથે લાવી યુવકના ઘરમાં ઘુસી હુમલો કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના કંડલા બાયપાસ પર આનંદનગર પાછળ આવેલ મનુભાઈ પાર્કમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા ફરિયાદી નિલેશભાઈ પુનાભાઈ વાળાએ આરોપી સાગર ઉર્ફે ચોંટી નવઘણભાઈ મૂંધવા અને અન્ય બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી નવઘણ ફરિયાદીના મૃતક ભાઈ અજયભાઈનું બુલેટ મોટર સાયકલ નંબર જીજે 36 એક્યુ 7077 બારોબાર લઈ ગયેલ હોવાથી ફરિયાદી અવાર નવાર બુલેટ પરત આપી જવા કહેતા હતા.જેનો ખાર રાખી આરોપી સાગર ઉર્ફે ચોંટી અન્ય બે ઇસમોને સાથે લાવી ગઈકાલે મોડી રાત્રે નિલેશભાઈના ઘરમાં ઘુસી ગયો હતો અને બોલાચાલી ઝઘડો કરી લાકડાના બેટ તેમજ લોખંડના સળિયા વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.