ખાતર સાથે ફરજિયાત ટેગિંગ, માર્જિન વધારો અને સેમ્પલ ફેલ જેવી સમસ્યાઓને લઈ એગ્રો ડીલરોમા રોષમોરબી : મોરબી જિલ્લા એગ્રો ડીલર એસોસિએશન દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અને નવા કાયદાઓથી પડતી મુશ્કેલીઓ મામલે નાયબ ખેતી નિયામક પરસાણીયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા એગ્રો ઇનપુટ ડીલર એસોસિએશન (AIDA - New Delhi) અને મહારાષ્ટ્રના સંગઠનના આહ્વાનને પગલે મોરબી જિલ્લાના વેપારીઓ 27/04/2026 ના રોજ એક દિવસનો પ્રતીકાત્મક બંધ પાળીને વિરોધ નોંધાવશે.કૃષિ ઇનપુટ વેપારીઓને લાંબા સમયથી પડતી ગંભીર સમસ્યાઓ સરકાર સમક્ષ અસરકારક રીતે રજૂ કરવા આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોરબી જિલ્લા એગ્રો ડીલર એસોસિએશનના પ્રેસિડન્ટ મહેશભાઇ અધારા અને અન્ય હોદ્દેદારોના નેતૃત્વમાં આ બંધને ખુલ્લું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.• વેપારીઓની મુખ્ય માંગણીઓ• ટેગિંગની સમસ્યા: યુરિયા અને ડીએપી જેવા સબસિડીવાળા ખાતરો સાથે કંપનીઓ દ્વારા બિનજરૂરી ઉત્પાદનો જબરજસ્તી ટેગ કરીને વેચવામાં આવે છે, જે તાત્કાલિક બંધ થવું જોઈએ.• ડીલર માર્જિન: યુરિયા, ડીએપી, એમઓપી અને એનપીકે ખાતરો પર ડીલરને મળતા માર્જિનમાં તાત્કાલિક અને યોગ્ય વધારો કરવામાં આવે.• F.O.R ડિલિવરી: તમામ ખાતરોની સપ્લાય વેપારીઓના વેચાણ કેન્દ્ર સુધી F.O.R (Free on Road/Rail) આધાર પર ફરજિયાત કરવામાં આવે.• કાનૂની સુરક્ષા: સીલબંધ પેકિંગવાળા માલનું સેમ્પલ ફેલ થાય તો વેપારીને દોષિત ગણવાને બદલે સંપૂર્ણ જવાબદારી સંબંધિત ઉત્પાદક કંપનીની નક્કી થવી જોઈએ.• સાથી પોર્ટલ (SATHI Portal): બીજ વેચાણ માટે લાગુ કરાયેલ સાથી પોર્ટલ માત્ર ઉત્પાદક કંપનીઓ પૂરતું સીમિત રાખવું અને વેપારીઓ પર ફરજિયાત ન કરવું.• નેનો ખાતરનો પ્રશ્ન: નેનો યુરિયા અને ડીએપી ખેડૂતો જલ્દી સ્વીકારતા નથી, તેમજ તેના સ્પ્રે માટે મજૂરી ખર્ચ અને સમય પણ વધે છે, તેથી તેને ફરજિયાત કરવાને બદલે સ્વૈચ્છિક રાખવું.• અન્ય સમસ્યાઓ: ઓનલાઇન અને ફેરિયા વેચાણ પર પ્રતિબંધ મુકવો, DBT/POS સિસ્ટમમાં આવતી વારંવારની એરર અને OTP ની સમસ્યાઓ હલ કરવી, તથા ફરજિયાત સ્ટોક બોર્ડ રદ કરવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે.આ પ્રતીકાત્મક બંધ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકશાહી પદ્ધતિથી પાળવામાં આવશે. કૃષિક્ષેત્રના હિતોને ધ્યાનમાં રાખીને આવશ્યક સેવાઓમાં કોઈ અવરોધ ન આવે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે તેમ એસોસિએશન દ્વારા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #AgroDealersStrike #Agriculture #Farmers #Gujarat #Strike #AIDA #FarmersProtest