વતન હળવદમાં 3 દિવસનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો, મુંબઈમાં દીક્ષા મહોત્સવ બાદ હિમાનીકુમારી પ્રભુના માર્ગે પ્રયાણ કરશેહળવદ : ભૌતિક સુખ સગવડોથી ભરેલા આજના સમયમાં યુવાનો વૈરાગ્યના માર્ગે વળી રહ્યા છે. ત્યારે મૂળ ટીકર (રણ)ના વતની અને હાલ હળવદ ખાતે રહેતા શેઠ પરિવારની 21 વર્ષીય દીકરી હિમાનીકુમારી (મીનુ) સંસારનો ત્યાગ કરી જૈન દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યા છે. હળવદમાં રહેતા દિનેશભાઈ શેઠ અને છાયાબેનની લાડકવાયી દીકરી હિમાનીકુમારીએ યુવાન વયે સંયમનો માર્ગ પસંદ કર્યો છે. તેમના દાદા હર્ષદરાય મગનલાલ શેઠ અને દાદી દિનમણીબેન સહિતના પરિવારની સાત-સાત પેઢીમાં આ પ્રથમ દીક્ષાનો અવસર હોવાથી પરિવારમાં એક તરફ વિરહ અને બીજી તરફ આનંદના આંસુ સાથે હર્ષની લાગણી છવાઈ છે.આચાર્ય રામચન્દ્રસૂરીશ્વરજી, કનકસૂરીશ્વરજી, પુણ્યપાલસૂરીશ્વરજી, નરચન્દ્રસૂરીશ્વરજી, ગુણયશસૂરીશ્વરજી અને કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા અને પ્રશમિતા મહારાજ સહિતના ગુરુ ભગવંતોના માર્ગદર્શન હેઠળ હિમાનીકુમારી આ કઠિન પંથે આગળ વધી રહ્યા છે. આ મહાત્યાગના અવસરે હળવદ ખાતે સન્માર્ગ પરિવાર દ્વારા તારીખ 21-04-2026 થી 23-04-2026 સુધી 3 દિવસીય વિરોત વધામણા મહોત્સવ અને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 21-04-2026 ના રોજ ગુરુ ભગવંતોની પધરામણી અને પંચ કલ્યાણકની પૂજા યોજાઈ હતી. તારીખ 22-04-2026 ના રોજ વર્ધમાન શક્રસ્તવ અભિષેક, સંઘ સ્વામીવાત્સલ્ય નવકારશી અને રજવાડી ઠાઠથી પ્રભુભક્તિ માટે પ્રયાણ થયું હતું. જ્યારે તારીખ 23-04-2026 ના રોજ વરસીદાનનો વરઘોડો, સાંજી અને વસ્ત્ર રંગોત્સવ યોજાયા હતા. આજે રાત્રે વિદાય સમારંભ યોજાશે. હળવદમાં વિદાય સમારોહ પૂર્ણ થયા બાદ મુંબઈ ખાતે સન્માર્ગ પરિવાર આયોજિત તારીખ 11-05-2026 થી 13-05-2026 સુધી સામૂહિક દીક્ષા મહોત્સવ યોજાશે. મુંબઈના સેન્ટ્રલ રેલ્વે મીકેનીકલ ઇન્સ્ટીટ્યુટ ખાતે તારીખ 11-05-2026 અને 12-05-2026 ના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો, વર્ષીદાન યાત્રા, ઉપકરણ ચઢાવા અને અંતિમ વિદાય સમારંભ યોજાશે. ત્યારબાદ તારીખ 13-05-2026 ના રોજ સવારે 7 કલાકે મુંબઈના ભિવાજી રાવ નરે પાર્ક ખાતે દીક્ષા વિધિનો પ્રારંભ થશે અને 7:45 કલાકે હિમાનીકુમારી રજોહરણ સ્વીકારીને પ્રભુના માર્ગે પ્રયાણ કરશે. આ દીક્ષા મહોત્સવ આચાર્ય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા તથા 300 થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં સંપન્ન થશે.#MorbiUpdate #HalvadNews #JainDiksha #DikshaMahotsav #Halvad #Spirituality #Jainism