બહારથી આવેલ રાજકીય કાર્યકરોએ વિસ્તાર છોડવો પડશે : જાહેર સભાઓ અને લાઉડસ્પીકર દ્વારા થતો પ્રચાર સદંતર બંધ થશેમોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલો ચૂંટણીલક્ષી જાહેર શોરબકોર અને પક્ષોનો ઝંઝાવાતી પ્રચાર આવતીકાલે શુક્રવારે સાંજે 5:00 વાગ્યે થંભી જશે. પ્રચારના પડઘમ શાંત થતાની સાથે જ ઉમેદવારો હવે ડોર-ટુ-ડોર સંપર્ક પર ભાર મૂકશે. આવતીકાલે પ્રચારના છેલ્લા દિવસે તમામ રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત લગાવી દેશે.આવતીકાલે સાંજે 5 વાગ્યાથી જે-તે મતવિસ્તારના મતદાર ન હોય તેવા બહારથી આવેલ રાજકીય કાર્યકરોએ વિસ્તાર છોડવો પડશે. જાહેર સભાઓ અને લાઉડસ્પીકર દ્વારા થતો પ્રચાર સદંતર બંધ થશે. આ ઉપરાંત સંવેદનશીલ બૂથો પર પોલીસનો ચુસ્ત પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ અણછાજતી ઘટના ન બને. મોરબી જિલ્લામાં હાલ છેલ્લી ઘડીએ ભાજપ, કોંગ્રેસ અને આપ તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. જિલ્લામાં યોજાનાર ચૂંટણી● મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો● મોરબી તાલુકા પંચાયતની 22 બેઠકો● માળીયા-મિયાણા તાલુકા પંચાયતની 16 બેઠકો● વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો● ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો● હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો● વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો● ટંકારા નગરપાલિકાની 24 બેઠકો● માળીયા-મિયાણા નગરપાલિકાની 24 બેઠકોઆગામી 26 એપ્રિલ, 2026 ના રોજ સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રવિવારે મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે ત્યારબાદ 28 એપ્રિલ, 2026 (મંગળવાર) ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામ જાહેર કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #LocalElections2026 #MorbiDistrictPanchayat #GujaratElections #VotingDay #Democracy