ગત રાત્રે નાસ્તો કરવા આવેલા યુવાન પર તીક્ષ્ણ ઘા ઝીંકીને હુમલો કરાયો, સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નિપજ્યું, અન્ય એક યુવાનને ઇજા : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટમોરબી : અણિયારી ટોલનાકા પાસે ગત રાત્રીના કોઈ કારણોસર ખૂની ખેલ ખેલાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબીના એક યુવાનની હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે માળિયા મિયાણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. માળિયા મિયાણા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર અણિયારી ટોલનાકા નજીક ધૈર્ય હોટેલ પાસે અનિલભાઈ હરિલાલ કંડયા ઉ.વ.30 રહે. પ્રભુકૃપા સોસાયટી, મહેન્દ્રનગર વાળા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા તેનું મોત નીપજ્યું છે. જ્યારે વિવેકભાઈ વેલજીભાઈ અઘારા ઉ.વ. 27, રહે. રાજ પેલેસ એપાર્ટમેન્ટ, આલાપ સોસાયટી, રવપર રોડ, મોરબીવાળાને ઇજાઓ પહોંચી છે. હાલ આરોપીઓની ઓળખ થઈ નથી. આ મામલે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર અનિલભાઈ જેતપર ગામેથી રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં નીકળ્યા હતા. તેઓ અણીયારી ટોલનાકા પહેલા ધૈર્ય હોટેલએ બેઠા હતા. ત્યાં પુરી શાક જમવાના હતા. ત્યાં પૈસાની લેતીદેતી મામલે એક શખ્સે છરીના ત્રણ ઘા મારી દીધા હતા. તેઓને સારવાર અર્થે 108 મારફત મોરબી લાવવામાં આવ્યા હતા. અહીંથી રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. હાલ પીએમની કાર્યવાહી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે અનિલભાઈ મૂળ જેતપરના હતા. તેઓ અપરિણીત હતા.