5026 આસામીઓએ પોતાનો વેરો જમા કરાવી દીધો : 50 ટકા નાગરિકો ઓનલાઈન વેરો ભરી બચાવી રહ્યા છે સમયમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષ 2026-27 ની શરૂઆત સાથે જ વેરા વસૂલાતની પ્રક્રિયા સઘન બનાવવામાં આવી છે. ગત વર્ષની કડક કાર્યવાહી બાદ આ વર્ષે લોકો સામે ચાલીને વેરો ભરવા આવી રહ્યા છે અને શરૂઆતના માત્ર 10 દિવસમાં જ 1.62 કરોડ નો વેરો જમા થઈ ગયો છે. અત્યારના માહોલ ઉપરથી એવો અંદાજ લગાવામાં આવી રહ્યો છે કે આ વર્ષે રેકોર્ડબ્રેક કલેક્શન થશે.મહાનગરપાલિકા દ્વારા ઓનલાઇન સુવિધાઓ વધારતા લોકો ઘરબેઠા સરળતાથી વેરો ભરી રહ્યા છે અને ડિજિટલ પેમેન્ટને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે જ્યારથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી જ કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બાકીદારો સામે લાલ આંખ કરીને મિલકતો સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવી હતી. આ કડક કાર્યવાહીના પરિણામે ગત નાણાકીય વર્ષ 2025-26 માં મહાનગરપાલિકાને અત્યાર સુધીની સૌથી વધુ કહી શકાય તેવી 41.84 કરોડ જેવી ઐતિહાસિક આવક વેરા પેટે થઈ હતી. તંત્રની આ કામગીરીની અસર આ વર્ષે પણ સ્પષ્ટ જોવા મળી રહી છે, જ્યાં લોકો હવે પેનલ્ટી અને સીલિંગથી બચવા સામેથી વેરો ભરવા આગળ આવી રહ્યા છે.ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ મહિનાના પ્રથમ 10 દિવસના બ્રેક બાદ 10 તારીખથી ફરીથી વેરા વસૂલાતનું કામ જોરશોરથી શરૂ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા કચેરી ખાતે ઓફલાઇન વેરો ભરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શરૂઆતના દિવસોમાં જ લોકો વેરો ભરવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. લોકોના ધસારાને પહોંચી વળવા અને કામગીરી સરળ બનાવવા માટે એક કાઉન્ટર પર ભારે ગરદી થઈ જતા તંત્રને તાત્કાલિક ધોરણે બીજું કાઉન્ટર ખોલવાની ફરજ પડી હતી.આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને લોકોને ખાસ ઓનલાઇન સુવિધા આપવામાં આવી રહી છે. હવે લોકોને પોતાના વોટ્સએપ નંબર અને ટેક્સ્ટ મેસેજ પર વેરાની રકમની જાણ કરવામાં આવે છે. વોટ્સએપમાં ડાયરેક્ટ ઓનલાઇન પેમેન્ટ માટેની લિંક પણ આપવામાં આવે છે, જેના કારણે છેલ્લા 2 થી 3 દિવસમાં ઓનલાઇન પેમેન્ટમાં મોટો ઉછાળો આવ્યો છે. સોમવારે જ લોકોને બાકી વેરાના મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેના પગલે માત્ર 2 દિવસમાં જ 52.96 લાખની ઓનલાઇન આવક થઈ છે. આ સુવિધાથી લોકોનો સમય બચે છે અને લાઇનમાં ઊભા રહેવું પડતું નથી. તંત્ર દ્વારા દર સમયાંતરે બાકીદારોને રિમાઇન્ડર મેસેજ પણ મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.મોરબી મહાનગરપાલિકાના વર્ષ 2026-27 ના આંકડાકીય ચિત્ર પર નજર કરીએ તો, કુલ માંગણું 61. 97 કરોડ જેટલું છે. જેમાં ગત વર્ષનું બાકી 41.31 કરોડ અને ચાલુ વર્ષનું નવું માંગણું 20.66 કરોડ છે. શહેરી વિસ્તારના કુલ 93615 આસામીઓ નોંધાયેલા છે, જેમાંથી 5026 લોકોએ માત્ર 10 દિવસની અંદર જ પોતાનો વેરો જમા કરાવી દીધો છે. અત્યાર સુધીમાં કુલ 1.62 કરોડ ની વસૂલાત થઈ છે, જે કુલ માંગણાના 3 ટકા જેટલી થવા જાય છે. જેમાં ઓનલાઇન પેમેન્ટ દ્વારા 74.76 લાખ અને ઓફલાઇન કાઉન્ટર પર 87.08 લાખ વેરો જમા થયો છે. હાલમાં 50 ટકાથી વધુ લોકો ઓનલાઇન વેરો ભરી રહ્યા છે, અને જો આ જ ગતિથી વસૂલાત ચાલુ રહેશે તો ગત વર્ષનો 41.84 કરોડનો રેકોર્ડ આ વર્ષે ચોક્કસપણે તૂટી જશે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.30 જૂન સુધી વેરો ભરનારને 10 થી 12 % નું આકર્ષક રિબેટમોરબી મહાનગરપાલિકા દ્વારા સમયસર વેરો ભરનાર આસામીઓને પ્રોત્સાહિત કરવા માટે આકર્ષક રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 30 જૂન સુધીમાં વેરો ભરનાર નાગરિકોને ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. જે લોકો ઓનલાઇન માધ્યમથી એટલે કે મહાનગરપાલિકાની વેબસાઈટ કે એપ્લિકેશન મારફતે વેરો ભરશે તેમને 12 ટકા જેટલું મહત્તમ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે જે લોકો કચેરીએ અને ક્લસ્ટર ઓફિસે રૂબરૂ જઈને ઓફલાઇન કાઉન્ટર પર વેરો જમા કરાવશે તેમને 10 ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળશે.નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં વેરામાં કોઈ વધારો નહીંમહાનગરપાલિકાની હદમાં નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો માટે વેરામાં કોઈ જ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી અને જૂનો ગ્રામ પંચાયતનો વેરો હતો તે જ યથાવત લાગુ રાખવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારનું કુલ માંગણું 4.58 કરોડ રૂપિયા છે, જેમાં ગત વર્ષની બાકી રકમ 2.22 કરોડ અને ચાલુ વર્ષના 2.36 કરોડ રૂપિયા છે. ગ્રામ્યના કુલ 27,769 આસામીઓ નોંધાયેલા છે, જેમાંથી અત્યાર સુધીમાં 1107 લોકોએ 10 દિવસમાં જ 16.5 લાખ રૂપિયાનો વેરો મહાનગરપાલિકામાં જમા કરાવી દીધો છે.