ગૌસેવક એવો યુવાન કતલખાને જતા પશુઓને મુક્ત કરાવવાની રાહમાં હતો ત્યારે પાંચ ભાડૂતી મારા તૂટી પડ્યામોરબી : અમદાવાદ - કચ્છ હાઇવે પર માળીયા મિયાણા તાલુકાના અણીયારી ટોલનાકા નજીક ગઈકાલે મોડી રાત્રે કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવા વોચમાં રહેલા મોરબીના ગૌસેવકને વ્યાજખોરના ઈશારે પાંચ ભાડૂતી મારાઓએ છરીના આડેધડ ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી જવા પામી છે. હત્યા માટે મોરબીના વ્યાજખોરે સોપારી આપી હોવાનું સામે આવ્યું છે. સાથે જ યુવકને બચાવવા વચ્ચે પડેલા અન્ય એક યુવકને પણ હત્યારાઓએ છરીના ઘા ઝીકી દીધા હોવાનું સામે આવ્યું છે.હત્યાના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર આલાપ પાર્કમાં રહેતા ફરિયાદી વિવેક વિનોદભાઈ ઉર્ફે વેલજીભાઈ પટેલે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગતરાત્રીના સમયે અબોલજીવોને કતલખાને જતા બચાવવા માટે ફરિયાદી વિવેકભાઈ તેમના ગૌસેવક મિત્ર અનિલભાઈ હરિલાલ કંડીયા, પાર્થ મનસુખભાઇ નેસડીયા, વિશાલ મનસુખભાઇ નેસડીયા સહિતના લોકો અણીયારી ટોલનાકા નજીક ધૈર્ય હોટલ ખાતે વાહનની રાહમાં હતા અને નાસ્તો કરવા બેઠા હતા ત્યારે અચાનક જ ઇકો કાર આવી હતી.આ ઇકો કારમાંથી આરોપી રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને આરોપી ગુલામ હુસેન પઠાણ રહે.તમામ મોરબી વાળાઓ હાથમાં છરી લઈને આવ્યા હતા અને અનિલભાઈ હરિભાઈ કંડીયાને કહ્યું હતું કે, અમને હોથલ ફાયનાન્સ વાળા શિવમભાઈ રબારીએ મોકલ્યા છે.તું કેમ શિવમભાઇના પૈસા આપતો નથી.તેમ કહી ઝઘડો કરી અનિલભાઈને છરીના ઘા ઝીકવાનું શરૂ કરતા ફરિયાદી વિવેકભાઈ વચ્ચે પડતા આરોપીઓએ વિવેકને પણ છરી ઝીકી હતી.બીજી તરફ આરોપીઓ આડેધડ છરીના ઘા ઝીકી નાસી ગયા હતા.બાદમાં ઇજાગ્રસ્ત અનિલભાઈને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.હત્યાના આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે વિવેક પટેલની ફરિયાદના આધારે હોથલ ફાયનાન્સના સંચાલક શિવમ રબારી સહિતના છ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.