હાસ્ય કલાકાર વિજુડીએ લોકોને મતદાન કરવા કરી અપીલ, તો મંત્રી કાંતિલાલ અમૃતિયાએ કહ્યું- 'ભાજપમાં કોઈ જૂથવાદ નથી, અમે બધા એક છીએ'મોરબી : મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માં ભાજપના કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્ર સક્સેના, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા, પ્રદીપ વાળા અને મહિલા સંગઠનના પૂર્વ પ્રમુખ દીપિકા સરડવા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે જાણીતા હાસ્ય કલાકાર વિજુડી અને તેમના સાથી કલાકારે પોતાની રમૂજથી ઉપસ્થિત લોકોને પેટ પકડીને હસાવ્યા હતા અને સાથે જ આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ પક્ષમાં ચાલતા જૂથવાદની અફવાઓને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપમાં કોઈ અલગ અલગ ગ્રુપ નથી, તમામ આગેવાનો તથા કાર્યકરો એકજૂથ છે. તેમણે મતદારોને એક થઈને મતદાન કરવા અને પાલિકાની 52 માંથી 52 સીટો પર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા આહ્વાન કર્યું હતું.પોતાની વાત રજૂ કરતા કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનો ચિતાર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે છેલ્લા 5 મહિનામાં મોરબીમાં અંદાજિત 600 કરોડ રૂપિયાના અને એક મહિના પહેલા 105 કરોડના કામો મંજૂર થયા છે, જેમાંથી 80 ટકા કામ પૂર્ણ થઈ ગયા છે અને 20 ટકા કામ બાકી છે. પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય તે માટે તેઓ સતત ધ્યાન રાખી રહ્યા છે, જેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તેઓ સારવાર માટે મુંબઈ હતા ત્યારે પણ ગટરની ખોટી ડિઝાઇનનું કામ તેમણે અટકાવ્યું હતું.ભાજપે 18 અલગ અલગ જ્ઞાતિઓમાંથી 52 સભ્યોને ટિકિટ આપી છે. નવા અને બિનઅનુભવી ઉમેદવારોને પક્ષ દ્વારા યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો 18 કલાક કામ કરતા હોય, તો આપણે 16 કલાક કામ કરવું જોઈએ તેવો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે પોતે મેજર ઓપરેશન બાદ પણ 8 થી 10 કલાક કામ કરે છે. અંતમાં તેમણે પોતાના 35 વર્ષના રાજકીય અનુભવ અને લોકોના ભરોસાને આધારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા પાલિકામાં ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી.#MorbiUpdate #Morbi #MorbiNews #BJP #MorbiElections #KantilalAmrutiya #WardNumber13 #GujaratPolitics