મોરબી : મોરબી કોર્ટે ચેક રિટર્નની ફરિયાદમાં એક મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. જેમાં ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની કેદની સજા અને બમણી રકમ ચૂકવવાનો ઓર્ડર જાહેર કર્યો છે. કેસની વિગતો મુજબ, ફરિયાદી મનીષભાઈ નાથાભાઈ ધોડમસરાએ આરોપી ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયાને વર્ષ 2019 માં સંબંધના દાવે હાથઉછીના 13,35,000 રૂપિયા આપ્યા હતા. આ બાબતની ફરિયાદી અને આરોપી વચ્ચે પ્રોમિસરી નોટ કરવામાં આવી હતી. જેની સામે આરોપીએ ફરિયાદીને અલગ અલગ ચેકો આપ્યા હતા.ફરિયાદીએ પોતાના નાણાં વસૂલવા ચેક ખાતામાં રજૂ કરતા તે વણચૂકવ્યે પરત થયા હતા. ત્યારબાદ વકીલ મારફત નોટિસ આપવા છતાં રકમ ન આપતા કઅંતે ફરિયાદીએ આરોપી ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયા વિરુદ્ધ મોરબી કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. આ ફોજદારી કેસ નંબર 5603 / 2022 ચાલી જતા, રજૂ કરાયેલ પુરાવાઓ, દલીલો અને નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ મોરબીના 4થા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સી.વાય. જાડેજા સાહેબે આરોપી ભરતભાઈ રામજીભાઈ ડેડાણીયાને 1 વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે ચેકની રકમથી ડબલ રકમનો દંડ એટલે કે 26,70,000 રૂપિયા તથા ફરિયાદ દાખલ કર્યા તારીખથી ચેકની રકમ ઉપર વાર્ષિક 9 ટકા વ્યાજ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. જો તેમ કરવામાં કસૂર થાય તો વધુ 90 દિવસની સજા ફરમાવવાનો અતિ મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે વકીલ તરીકે આશિષ ડી. ચાવડા અને મિતરાજસિંહ કે. જાડેજા રોકાયા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCourt #ChequeReturnCase #GujaratNews #CrimeNewsMorbi