અગાઉ વિરોધને પગલે માત્ર એક ઉમેદવારનો ફોટો દૂર કરાયો હતો, હવે તમામ ઉમેદવારોના ફોટા ગાયબ થતા મામલો ચગ્યોમોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નંબર 9 માં પોસ્ટરનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. વોર્ડ 9 ના ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર લગાવવામાં આવેલા બેનરમાંથી અચાનક જ પેનલના તમામ 4 ઉમેદવારોના ફોટા ગાયબ થઈ જતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.અગાઉ માત્ર ઉમેદવાર હિરેન કલોતરાના ફોટા બેનરમાંથી દૂર કરવામાં આવ્યા હતા. હિરેન કલોતરા એક પાટીદાર મહિલાને છૂટાછેડા નહીં આપતો હોવાના આક્ષેપ સાથે તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ અંગેની એક પત્રિકા પણ વાયરલ થઈ હતી. પાટીદારોમાં ઉઠેલા આ ભારે વિરોધને પગલે શરૂઆતમાં બેનરમાંથી માત્ર તેમનો જ ફોટો હટાવવામાં આવ્યો હતો.જો કે, ત્યારબાદ આ મામલો વધુ ગરમાતા વોર્ડ 9 ના ભાજપના મધ્યસ્થ કાર્યાલયના બેનરમાંથી પેનલના તમામ ઉમેદવારોના ફોટા એકસાથે દૂર કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારો વચ્ચે સંકલનનો અભાવ હોવાની ચર્ચાઓ વચ્ચે આ સમગ્ર વિવાદ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ પ્રતિક્રિયા આપી છે. જયંતિ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, આ એક સામાજિક પ્રશ્ન છે અને કેટલાક લોકો તેનો લાભ લેવા માટે વિવાદ ઊભો કરી રહ્યા છે. 4 વર્ષથી ચાલતી બાબતને ચૂંટણી ટાણે જ ઉછાળવામાં આવી રહી છે, જે સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કાવતરું છે.તેમણે વધુમાં સ્પષ્ટતા કરતા ઉમેર્યું હતું કે, કાર્યાલય પર ચારેય ઉમેદવારોના ફોટા ફરીથી લગાવી દેવામાં આવશે. ભાજપે નક્કી કર્યા મુજબ તમામ ઉમેદવારો એકસાથે જ પ્રચાર કરશે. ગઈકાલે 3 ઉમેદવારો પ્રચારમાં ગયા હતા, પરંતુ આજે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે અને રાત્રે ચારેય ઉમેદવારો સાથે મળીને જ પ્રચારમાં જોડાશે. પાર્ટી માટે કોઈ જ પ્રશ્ન નથી, જે પણ સામાજિક પ્રશ્ન હશે તે સમાજ પોતાની રીતે ઉકેલશે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #Ward9 #MorbiPolitics #BJP #GujaratPolitics #JayantiRajkotiya